Connect Gujarat
ગુજરાત

નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી, ગ્રામીણ ગ્રાહકોને ગો-ડિજિટલ થકી જાગૃત કરાયા...

અદ્યતન ટેક્નોલોજીના સથવારે તેમનો બેંકિંગ વ્યવહાર સરળ બનાવી શકે તેવા આશય સાથે ડાંગ જિલ્લામાં નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરાય હતી

નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી, ગ્રામીણ ગ્રાહકોને ગો-ડિજિટલ થકી જાગૃત કરાયા...
X

બદલાતી ટેક્નોલોજી સાથે બેંકિંગ ક્ષેત્રેના ગ્રાહકો સુપેરે કદમતાલ મેળવીને અદ્યતન ટેક્નોલોજીના સથવારે તેમનો બેંકિંગ વ્યવહાર સરળ બનાવી શકે તેવા આશય સાથે ડાંગ જિલ્લામાં નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરાય હતી.

બેન્કના ગ્રાહકો તેમની બેન્ક સાથે સતત સંકલન કરીને અપડેટ રહી શકે તેવા આશય સાથે સપ્તાહ દરમિયાન ગો ડિજિટલ કાર્યક્રમની સમજ અને માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ. ગ્રાહકો રોજીંદી લેવડદેવડ સાથે બેન્કના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાનો સમય અને નાણાનો વ્યય થતો રોકી શકે છે, તેમ જણાવતા LDM સેજલ મેડાએ બેંકિંગ વ્યવહારોમાં નિયમિતતા સાથે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ, યોજનાઓનો લાભ લેવાની પણ હિમાયત કરી હતી.

રિઝર્વ બેન્કના AGM જસપ્રીતસિંગ કાલરા, LDO સંસ્કાર વિજયે ગો ડિજિટલ-ગો સિકયોર વિષયક વિસ્તૃત જાણકારી આપી હતી. નાણાકીય છેતરપિંડી અને તેનાથી બચવાના ઉપાયો અંગે પણ આ મહાનુભાવોએ પ્રકાશ પાડ્યો હતો. નાણાકીય સાક્ષરતા સપ્તાહ દરમિયાન આહવા તાલુકાના ગાયગોઠણ અને હનવતચોંડ, સુબિર તાલુકાના કેશબંધ અને સુબિર તેમજ વઘઇ તાલુકાના ગૌર્યા અને વઘઇ ખાતે કાર્યક્રમો આયોજિત કરાયા હતા. જેમા લીડ બેન્ક, બેન્ક ઓફ બરોડા સહિત જિલ્લાની અન્ય બેન્કો, ISMFW સંસ્થા, અને BSVS, R-Setiના સંયુક્ત ઉપક્રમે જુદાજુદા વિષય નિષ્ણાંતોએ ઉપયોગી જાણકારી પુરી પાડી હતી. આ કાર્યક્રમનો સ્થાનિક ગ્રામજનો સહિત ITIના વિદ્યાર્થીઓ, દૂધ મંડળીના સભાસદો, વિગેરેએ લાભ લીધો હતો.

Next Story