Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ચોમાસું નબળું થતા ચિંતાના વાદળો; ડેમોમાં માત્ર 47 ટકા પાણીનો જથ્થો

રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત ઉભી થાય તેવી શક્યતા છે.

રાજ્યમાં ચોમાસું નબળું થતા ચિંતાના વાદળો; ડેમોમાં માત્ર 47 ટકા પાણીનો જથ્થો
X

ગુજરાત રાજ્યમાં પાછલા વર્ષોના પ્રમાણમાં આ વર્ષે ચોમાસુ નબળું જવાના સંકેત મળી રહયા છે ત્યારે રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત ઉભી થાય તેવી શક્યતા છે. રાજ્યમાં 207 ડેમોમાં માત્ર 47 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી વધારે પાણીની તંગી સર્જાય તેવી શક્યતા છે.


રાજ્યમાં ચોમાસાની સીઝનમાં ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે છતાં નહિવત વરસાદ છે અને હવે જો વરસાદ ના આવે તો દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય તેવી સંભાવના છે. રાજ્ય સરકારે રાજ્યના ડેમોમાં જે પાણી આરક્ષિત છે તેને 31 સપ્ટેમ્બર સુધી પીવાના પાણી માટે રાખવા આદેશ કર્યો છે. તો બીજી બાજુ નર્મદા ડેમમાં ઉપરવાસથી ભારે પાણી આવક હોવા છતાં સરકાર ઓગસ્ટ પછી ખેડૂતોને સિંચાઇનું પાણી આપશે આમ વરસાદ નહીં થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને પોતાના ઉભો પાક બચાવવા વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમમાં પાણીની સ્થિતિ તળિયા ઝાટક છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ હોવાથી પાણીની તંગી ઊભી થવા પામી છે.

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 22મી ઓગસ્ટની સ્થિતિએ માંડ 23.97 ટકા જેટલું જ પાણી રહ્યું છે, એ જ રીતે કચ્છના 20 ડેમોમાં માંડ 21.34 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ખેડૂતોને સિંચાઈના પાણી માટે રઝળપાટ કરવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં 207 પૈકી માંડ ત્રણ ડેમો અત્યારે સંપૂર્ણ ભરેલા છે. જેમાં દક્ષિણ ગુજરાતના 13 પૈકીનું એક ડેમ તથા સૌરાષ્ટ્રના 141 પૈકી માંડ બે ડેમ સંપૂર્ણ ભરેલા છે.

Next Story
Share it