ગુજરાત રાજ્યમાં શિયાળાની ઋતુ ધીમા પગલે પગરવ માંડી રહી છે. દિવસે દિવસે ફૂલ ગુલાબી ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે.
રાજ્યમાં આગામી ત્રણેક દિવસમાં લઘુતમ તાપમાનમાં પણ 2થી 3 ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. મોરબી અને ચોટીલામાં હળવો વરસાદ થતાં ખેડૂતોના મોં માં આવેલો કોળિયો ઝૂંટવી જાય એવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર પાકિસ્તાન તરફના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે.
જોકે, ગુજરાતના બાકીના ભાગમાં વાતાવરણ સૂકું રહેશે. તો બીજી તરફ સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 21 અને મહત્તમ તાપમાન 33 ડીગ્રી રહેવાની શક્યતા છે. આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે મેદાની વિસ્તારોમાં ફૂંકાયેલા પવનોની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને સંઘ પ્રદેશ દીવ તથા દમણમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળશે, ત્યારે આગામી 5 દિવસ સુધી આ વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળશે...