પાટણ શહેરમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં માર્ગ પર પડેલા ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપના ધ્વજને ઉંધો ફરકાવી ભાજપનો વિકાસ ઉંધો થયા હોવા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
પાટણ શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળા જાહેર રોડ ઉપર ખૂબ મોટા ખાડા પડવાના કારણે પાટણની જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખૂબ મોટા ખાડા હોવાના કારણે પાટણ શહેરીજનોના વાહનોને ખૂબ મોટું નુકશાન પહોચતા આર્થિક નુકશાન વેઠવાનો વારો આવે છે. આ સાથે જ વારંવાર પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકોને ગંદકીનો પણ સામનો કરવો પડે છે. પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ખાડાઓનું સમારકામ કરવામાં આવતું નથી, ત્યારે અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
જોકે, પાટણમાં અનેક જગ્યાએ એક-બે વર્ષમાં બનેલા રોડ-રસ્તા પર ખાડા પડવાના કારણે રોડની બિસ્માર હાલત થઈ ગઈ છે. ખૂબ મોટા પ્રમાણમાં રોડ-રસ્તામાં ભ્રષ્ટાચાર થતો હોય, ત્યારે પાટણ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર એસપી કચેરી, કોર્ટ સંકુલ સહિતના દવાખાનાઓ આવેલા હોય, જેથી અહી ખૂબ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય છે, ત્યારે હવે પાટણ પાલિકા દ્વારા સિમેન્ટ-કોન્ક્રીટથી મોટા ખાડા પુરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે. પાટણ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ શાસિત પાટણ પાલિકા તંત્ર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડાઓમાં ભાજપના ધ્વજને ઉંધો ફરકાવી ભાજપનો વિકાસ ઉંધો થયા હોવા સામે રોષ વ્યક્ત કર્યો હતો.