રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જીવન ઝરમર વર્ણવતા સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાત, અને ગુજરાતી સાહિત્યને અદકેરું સ્થાન અપાવનારા મેઘાણીજીની ૧૨૫મી જન્મજયંતી ઉજવણીનો રાજ્ય સરકારનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો.
ગુજરાતના સપુત એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વતન ખાતે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ કરોડના ખર્ચે સંગ્રહાલય તૈયાર કરાશે, તેમ જણાવતા મંત્રી પટેલે ગુલામી કાળમા શૌર્યસભર સાહિત્યનુ સર્જન કરીને દેશના યુવાનોમા દેશભક્તિ જગાવનારા કવિ, અને સાહિત્યકાર એવા મેઘાણીજીના સાહિત્ય અને સંસ્કારના અમુલ્ય વારસાથી દેશની ભાવી પેઢીને અવગત કરાવી શકાય તે માટે પણ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ ઉમેર્યું હતુ.
દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે ગુજરાતના યુવા અને સંસ્કૃતિક વિભાગ દ્વારા આઝાદી સાથે સંકળાયેલા આવા વીર પુરુષોના ચારિત્ર્યને નવી પેઢી સમક્ષ ઉજાગર કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરના ૩૩ જિલ્લાઓના ગ્રંથાલયો ઉપરાંત ૨૫૧ જેટલા તાલુકા ગ્રંથાલયો ખાતે મેઘાણી સાહિત્ય પહોંચાડીને, ભાવી પેઢીને તેમના સાહિત્યથી પરિચિત થવાનો મોકો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે, તેમ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે વધુમા જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઈ સ્થિત એગ્રીકલ્ચર કોલેજ ખાતે યોજાયેલ કસુંબીનો રંગ કાર્યક્રમ દરમિયાન મેઘાણી સાહિત્યનુ વિતરણ કરી મંત્રીએ ઝવેરચંદ મેઘાણીના શૌર્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી પણ નિહાળી હતી. આ વેળા મેઘાણીજીના જીવન કવનને આવરી લેતી દસ્તાવેજી ફિલ્મનું પણ પ્રસારણ કરાયું હતું.