"એક પેડ માઁ કે નામ" સંકલ્પને ચરિતાર્થ કરવાનો ઉદ્દેશ્ય
"મહા વાવેતર" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ
ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
પર્યાવરણ પ્રેમીઓએ 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું
મંત્રી મુળુ બેરા સહિત મુકેશ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત
સાબરકાંઠા જિલ્લાના ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળુ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં "મહા વાવેતર' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી, વન અને પર્યાવરણ મુળુ બેરા અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં "મહાવાવેતર' અભિયાન યોજાયું હતું. મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના "એક પેડ માઁ કે નામ" સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્યથી "મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે.
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરૂ એવા શ્રીમદ્ રાજચંદ્રજીની પાવન રજથી વિભૂષિત એવી ઇડરની તપોભૂમિ ખાતે વડાપ્રધાનના "એક પેડ મા કે નામ" અભિયાનને સાર્થક કરતાં "ગ્રીન અરવલ્લી" ગીરીમાળા વૃક્ષારોપણ કાર્યક્રમએ સરાહનીય પ્રયાસ છે. ગુજરાત રાજ્યમાં "એક પેડ માઁ કે નામ" અભિયાન હેઠળ 8 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતને હરિયાળુ બનાવવાના સંકલ્પમાં ગામે ગામ લોકો જોડાઇ રહ્યા છે.
આ અભિયાનમાં સાંસદ શોભના બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલા બારા, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા કલેકટર રતન કંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, નાયબ વન સંરક્ષક એસ.ડી.પટેલ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.