Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : રૂ. 2.60 લાખની લાંચ લેતા મામલતદાર સહિત 2 લોકો ACBના હાથે ઝડપાયા...

ગાંધીનગરની કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.

X

ગાંધીનગરની કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. રૂ. 2 લાખ 60 હજારની લાંચ લેતા ACBની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ફરિયાદીએ મુલસણ ગામની બિનખેતી જમીનની તેના ટ્રસ્ટમાં વેચાણની 23 એન્ટ્રી કરાવવા અરજી કરી હતી. જેથી કલોલ મામલતદાર ડૉ. મયંક મહેન્દ્ર પટેલે એન્ટ્રી દીઠ 12 હજાર રૂપિયા એટલે કે, કુલ 2 લાખ 76 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ અઢી લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈ-ધરામાં નાયબ મામલતદાર પ્રવિણ મૂળજી પરમાર પણ 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. કુલ 2 લાખ 60 હજારમાં ડીલ નક્કી થઈ હતી. ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો.

જેથી ACBએ છટકું ગોઠવ્યું અને નક્કી થયા મુજબ ફરિયાદી લાંચની રકમ દેવા ઓફિસમાં પહોંચ્યા હતા, ત્યારે તે સમયે મામલતદાર ડૉ. મયંકે આ રકમ ઈ-ધરાના નાયબ મામલતદાર પ્રવિણ પરમારને આપવા સૂચના આપી હતી. તેથી ફરિયાદી ઈ-ધરા મામલતદાર પાસે પહોંચ્યા, જેને આ રકમ ઈ-ધરા શાખામાં કોન્ટ્રાકટ બેઇઝથી કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર નિખીલ પાટીલને ચૂકવવાની સૂચના આપી. નિખીલ પાટીલે લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટ્રેપમાં મામલતદાર ડૉ. મયંક પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર નિખીલ પાટીલ રંગેહાથ ઝડપાયા હતા, જ્યારે ઈ-ધરા નાયબ મામલતદાર પ્રવિણ પરમાર ACBની ટ્રેપ થતા નાસી છૂટ્યા હતાં. જોકે, ગાંધીનગર ACB ટ્રેપના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Next Story