Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : વસુધાનું લીલું આભૂષણ બન્યું "બિલ્વ વન", સોમનાથ મહાદેવને રોજ અર્પણ થતાં 1.25 લાખ બિલ્વપત્રો

પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ મહાદેવને રોજ 1.25 લાખથી વધુ બિલ્વ પત્રો અર્પણ કરવામાં આવે છે

X

પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ મહાદેવને રોજ 1.25 લાખથી વધુ બિલ્વ પત્રો અર્પણ કરવામાં આવે છે, ત્યારે મહાદેવની પૂજા માટે લાખો બિલ્વપત્રોની માંગને સોમનાથ ટ્રસ્ટે આત્મનિર્ભરતા દાખવી પૂર્ણ કરી બતાવી છે.

શાસ્ત્રો અને પુરાણોમાં, શિવને સૌથી સરળ અને સૌથી ભક્ત વત્સલ દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. શિવને પ્રસન્ન કરવા માટે કોઈ મોટા ભોગ અથવા આભૂષણોની જરૂર નથી, પરંતુ સામાન્ય રીતે શિવને બિલ્વપત્રની ચઢાવવાથી ભક્તોને ઇચ્છિત વરદાન મળે છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને લાખો બિલ્વ પત્ર અર્પણ કરવામાં આવે છે. સોમનાથ-વેરાવળ રોડ પર સોમનાથ ટ્રસ્ટના તત્કાલીન ટ્રસ્ટી સ્વર્ગીય પ્રસન્નવદન મહેતાના હસ્તે બિલ્વ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમયની સાથે સોમનાથ ટ્રસ્ટે વધુ એક બિલ્વવન સ્થાપ્યું છે, અને આજે સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવતું પ્રત્યેક બિલ્વપત્રને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પવિત્ર બિલ્વ જંગલમાં ઉગાડવામાં આવે છે. જોકે, આજે 21 વર્ષ પછી આ વિશાળ બિલ્વ વનમાં હજારો વૃક્ષો પર લાખો બિલ્વપત્ર ઉગાડવામાં આવ્યા છે. વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરરોજ 1.25 લાખ બિલ્વપત્રો તીર્થના સ્થાનિક પુરોહિતો દ્વારા મહાદેવને અર્પણ કરવામાં આવે છે. બિલ્વ વનમાં 16 કર્મચારીઓનું જૂથ શિવ નામનું રટણ કરતા-કરતા વિશાળ બિલ્વ જંગલમાં ઝાડમાંથી બિલ્વપત્રની નાની ડાળીઓ કાપીને શ્રેષ્ઠ બિલ્વપત્રો સોમનાથ પહોચાડે છે.

શિવ પુરાણ અને અન્ય શાસ્ત્રોમાં શિવને બિલ્વના પાન અર્પણ કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, બિલ્વપત્રના દર્શન અને સ્પર્શથી મનુષ્યના પાપોનો નાશ થાય છે. સોમનાથ ટ્રસ્ટની ગૌશાળામાંથી છાણનું ખાતર અને ટપક સિંચાઈ પધ્ધતિથી સિંચિત આ આખું બિલ્વવન વસુધાનું લીલું આભૂષણ બનેલું દેખાય છે. આ રીતે બે દાયકા પહેલા જ્યાં સોમનાથ મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્રો ખરીદવામાં આવતા હતા, ત્યાંજ હવે બિલ્વવનની પવિત્ર ભૂમિમાં બિલ્વપત્રો ઉગાડવામાં આવે છે. જેમાં એક લાખથી વધુ બિલ્વના પાંદડા દરરોજ સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવે છે. આવી જ રીતે સોમનાથ ટ્રસ્ટ અન્ય કાર્યો અને માધ્યમોમાં પણ આત્મનિર્ભરતાના ધ્યેય સાથે કામ કરી રહ્યું છે. દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ ખરા અર્થમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.

Next Story