વાવાઝોડું 'આસની'ના પ્રભાવથી રવિવારે વરસાદ અને ભારે પવનના કારણે આંદામાન-નિકોબાર ટાપુઓને કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ગયું હતું.
માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટાપુઓ તરફ પ્રથમ ચક્રવાતી વાવાઝોડું ઝડપી પ્રગતિને ધ્યાનમાં રાખીને આંતર-દ્વીપ જહાજ સેવા ઉપરાંત, ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ સહિતના અન્ય વિસ્તારોમાં જહાજ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે, અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાય છે. લગભગ 150 NDRF જવાનોને ટાપુઓના વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવ્યાં છે, અને સાવચેતીના પગલાં તરીકે 6 રાહત શિબિરો પણ સ્થાપિત કરવામાં આવી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી પંકજકુમારે જણાવ્યુ હતું કે, 'હું લોકોને અપીલ કરું છું કે, ગભરાશો નહીં. કારણ કે, વહીવટી તંત્ર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારનાં પગલાં લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, પોર્ટ બ્લેરમાં કુલ 68 NDRF જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે, જ્યારે 25-25 જવાનોને ડિગલીપુર, રંગત અને હટબે વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યાં છે. પોર્ટ બ્લેરની સાથે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ આંદામાન જિલ્લામાં ભારે વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામાનના જિલ્લા ડેપ્યુટી કમિશનર અંજલિ સેહરાવતે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને NDRF નાં જવાનો દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે જારી કરેલી એક ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગઈ કાલે બંગાળની ખાડી અને તેને અડીને આવેલ દક્ષિણ આંદામાન સમુદ્રમાં આજે 20 માર્ચ, 2022 નાં રોજ ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે રચાયેલ નીચા દબાણનું ક્ષેત્ર લઘુત્તમ દબાણમાં ફેરવાઈ ગયું છે. આગામી 24 કલાક દરમિયાન તેના વધુ તીવ્ર લઘુત્તમ દબાણવાળા વિસ્તારમાં બદલાવાની શક્યતા છે.