Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: ગુજરાતની લડત અન્ય રાજ્યો સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે: સીએમ રૂપાણી

જૂનાગઢમાં 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ

જુનાગઢ: ગુજરાતની લડત અન્ય રાજ્યો સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે: સીએમ રૂપાણી
X

આજે તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી જૂનાગઢમાં શરૂ થઇ રહી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક મુખ્ય સચિવ(ગૃહ) અને પોલીસ મહાનિર્દેશક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતુ. આજે સવારે બરાબર 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. ધ્વજવંદન વખતે વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

આજના આ કાર્યક્રમમાં પોલીસ જવાનોની પરેડ, અશ્વ-શો, ડોગ-શો, બાઇક સ્ટંટ, ગુજરાતી-મરાઠી અસ્મિતાને ઉજાગર કરતું લેજીમ નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.

15 ઓગષ્ટના 75માં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢના બિલખા રોડ પર આવેલા પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં ઉજવણી થઈ. મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળે પહોચ્યા જયા મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ ગૃહ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. નવ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ સમયે જામનગરથી આવેલા વાયુદળના હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા પણ કરી હતી.

સીએમ વિજય રૂપાણીએ સ્વતંત્રતા પર્વની શુભેચ્છા આપતા જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીએનો નમન. આવો સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.



સીએમ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સ્વાતંત્રય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દેશ માટે અવિરત સંઘર્ષ કરીને આપણને મહામૂલી આઝાદી આપનાર સૌ વીરોને નમન કરવાની અને પુણ્ય સ્મરણ કરવાની આ તક છે. આપણે જ્યારે જુનાગઢની ધરતી પર સ્વાતંત્રય દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે જુનાગઢનો વિશેષ ઇતિહાસ અવશ્ય યાદ આવે. ભારત 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયુ પરંતુ જુનાગઢને તો ત્રણ મહિના પછી 9મી નવેમ્બરે આઝાદી મળી. આરઝી હકુમતના જન જુનાવળના કારણે ભારતનું અભિન્ન અંગ બન્યુ. હું આરઝી હકુમતનાં સૈનાનીઓને પણ વંદન કરું છું.

તેમણે કોરોનાકાળ અંગે જણાવ્યું કે, ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું.

સીએમ રૂપાણીએ વાવાઝોડા અંગે જણાવ્યું કે, કોરોનાની ગંભીર આપદામાં કુદરતી આપદા પણ આવી ગઈ. ટાઉટે વાવાઝોડએ તારાજી સર્જી, જેની સામે આપણે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવ્યું છે. તૌકતે વાવાઝોડાની આફતમાં સરકાર રાતભર જાગીને લોકોને સધિયારો આપ્યો. ખેતી નુકસાન, માછીમાર નુકસાન, કેશડોલ મળીને ૧ હજાર કરોડનું પેકેજ ગુજરાતને સોંપ્યું. સરકાર વતન પ્રેમ યોજના લાવી રહી છે. જેમાં 40 ટકા સરકાર ખર્ચ આપશે. ગુજરાતની સ્પર્ધા હવે અન્ય રાજ્યો સાથે નહિ, પણ વિશ્વ સાથે છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની હરીફાઈ અન્ય રાજ્યો સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે. વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણે ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનો સૌથી મોટો રિન્યુબલ પાર્ક ગુજરાતમાં છે. વિશ્વની સૌથી મોટી 12 હજાર બેડની મેડીસિટી ગુજરાતમાં બનાવ્યું છે. દેશનું સૌથી મોટુ સીએનજી પોર્ટ ભાવનગરમાં બનાવ્યું છે. દેશની સૌથી મોટી બુલેટ ટ્રેન ગુજરાતમાંથી ચાલુ થશે. એફડીઆઇમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. વિશ્વનું સૌથી મોટો કોમર્શિયલ કોમ્પલેક્ષ સુરતમાં, ગુજરાતમાં છે. દરિયા પર સ્માર્ટ સિટી પણ ગુજરાતમાં છે. ખારા પાણીને મીઢું બનાવવાનાં પ્રયત્નો ગુજરાતે હાથ ધર્યા છે.

સીએમએ વધુમાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ 15 કરોડ મંજૂર કરાય છે. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. રાજ્યનો ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં 30ના બદલે 50 હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.

Next Story