અનરાધાર મેઘ'મહેર : જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવર-ફ્લો, ચારે તરફ જળબંબાકારની સ્થિતિ

જુનાગઢ અને ઘેડ પંથકમાં મેઘરાજાએ સર્જી ભારે તારાજી, જુનાગઢનો સૌથી મોટો ઓઝત-2 ડેમ થયો ઓવર-ફ્લો.

New Update

સૌરાષ્ટ્રને ઘમરોડનાર મેઘરાજાએ જુનાગઢ અને ઘેડ પંથકમાં ભારે તારાજી સર્જી છે. સમગ્ર ઘેડ વિસ્તારમાં પુરના પાણી ફરી વળતાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. વરસાદના કારણે જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ પણ ઓવર-ફ્લો થયો છે, ત્યારે નદી કાંઠા વિસ્તારની ઉપજાઉ જમીનનું ધોવાણ થઈ જતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

ગત સોમવારના રોજ સૌરાષ્ટ્રના 3 જિલ્લા રાજકોટ, જામનગર અને જુનાગઢમાં 21 ઇંચથી વધુ વરસાદ પડી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે જુનાગઢ ખાતે આવેલો દામોદર કુંડ સોનરખ નદીના પાણીના કારણે ઓવર-ફ્લો થયો હતો. જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ થતાં ઘેડ વિસ્તારમાં પુરના પાણી ફરી વળતાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.

આ સાથે જ 225 ગામોને પાણી પૂરું પાડતો જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ પણ ઓવર-ફ્લો થયો છે. ઓઝત-2 ડેમના 25 દરવાજામાંથી 4 દરવાજા 4-4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઘેડ વિસ્તારના માણાવદર, માંગરોળ અને કેશોદ તાલુકાના અનેક ગામોમાં પુરના પાણી ફરી વળતાં લોકો સંપર્ક વિહોણા થયા છે. તો આ સાથે જ નદી કાંઠા વિસ્તારની ખેતીની ઉપજાઉ જમીનનું મોટા ભાગે ધોવાણ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.