કચ્છ જિલ્લાના વડા મથક ભુજ ખાતે અદાણી કંપની સંચાલિત જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં સારવાર હેઠળની જીવિત બાળકીના સ્થાને મૃત બાળક સોંપી દેવાતા પરિવારજનો દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, નખત્રાણા તાલુકાના નેત્રા ગામના કરીમ બારાચ 3 દિવસ પૂર્વે તેમના પત્નીને પ્રસૂતિ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ઓપરેશન હેઠળ એક બાળકીનો જન્મ થયો હતો. આ બાળકીને સારવારની જરૂર હોવાથી તેને શિશુ વિભાગની પેટીમાં રખાઈ હતી, ત્યારે આજે શુક્રવારની સવારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીના પિતાને તમારું બાળક ગુજરી ગયું છે, તેમ જણાવી શિશુ બાળના મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. મૃતદેહને દફન વિધિ માટે લઈ જતા સમયે રસ્તામાં બાળકને સરખું કરતા ખ્યાલ આવ્યો હતો કે, આ તો બાળકીના બદલે બાળક છે, ત્યારે અન્ય પરિજનોએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કે તેમની બાળકી સલામત અને જીવિત છે, ત્યારે સરકારી હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારીને લઈને એક પરિવારને દોડતા થઈ જવું પડ્યું હતું. બેદરકારી દાખવવા બદલ પડેલી હેરાનગતિ અને હાથમાં રહેલું બાળક કોનું છે, એવા પ્રશ્ન અને નારાજગી સાથે પરિવારજનો કલેક્ટર કચેરીએ અને ત્યાંથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. અધિકારી દ્વારા હાલમાં બાળકના દેહને જી.કે.જનરલ હોસ્પિટલમાં સુપરત કરી આપવાનું કહેવાયું હતું. જોકે, બેદરકારી દાખવનારા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ પરિજનોએ માગણી કરી છે.