કચ્છ : સાંસદ વિનોદ ચાવડાના અમેરિકાથી પરત ફરેલો ભાણેજ મૃત હાલતમાં કારમાંથી મળી આવ્યો
કચ્છના ભાજપના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનો મૃતદેહ ભાટનગર પાસેથી તેમની કારમાંથી મળી આવતાં ચકચાર

કચ્છના ભાજપના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનો મૃતદેહ ભાટનગર પાસેથી તેમની કારમાંથી મળી આવતાં ચકચાર મચી છે. પ્રથમ નજરે આ કેસ આપઘાતનો લાગી રહયો છે પણ પોલીસે હત્યાની દિશામાં પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાના 23 વર્ષીય ભાણેજ અક્ષય લોચા મૃત હાલતમાં મળી આવ્યો છે. નખત્રાણાના કોટડા જડોદર ગામ પાસે વાડી વિસ્તારમાં આવેલા ભાટનગર પાસેથી તેમની કારમાં તેઓ મૃત હાલતમાં હતાં. પોલીસને કારમાંથી રીવોલ્વર પણ મળી આવી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અક્ષય થોડા દિવસ પહેલા જ USમાં પોતાનો ડોકટરીનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. ત્યારે આજે રવિવારના રોજ તેનું મોત થયું છે. પોતાની હોન્ડા કારમાંથી લોહીલુહાણ હાલતમાં અક્ષયનો મૃતદેહ અને સાથે રિવોલ્વર પણ મળી આવતા મોતને લઈ સવાલ ઉઠ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતાં સાંસદ વિનોદ ચાવડા પણ હોસ્પિટલ ખાતે દોડી ગયાં હતાં. અક્ષયે કયાં કારણોસર આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરાય છે સહિતની બાબતોની તપાસ ચાલી રહી છે.