Connect Gujarat
ગુજરાત

મોંઘવારીનો વધુ એક માર: ઘરેલુ રસોઈ ગેસ-સિલિન્ડર 25 રૂપિયા મોંઘા થયા

મોંઘવારીનો વધુ એક માર: ઘરેલુ રસોઈ ગેસ-સિલિન્ડર 25 રૂપિયા મોંઘા થયા
X

જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ તમારા ખિસ્સા પર મોંઘવારીનો માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે સબસિડી વગરના LPG સિલિન્ડરની નવી કિંમત લાગુ થઈ ગઈ છે. આજથી રસોઈ ગેસ- સિલિન્ડર મોંઘાં થઈ ગયાં છે અને સિલિન્ડરદીઠ 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેમજ 19 કિલોવાળો કમર્શિયલ સિલિન્ડર 76 રૂપિયા મોંઘાં થઈ ગયાં છે. નવા ભાવવધારાની સાથે છેલ્લા છ મહિનામાં 14.2 કિલોગ્રામવાળાં સિલિન્ડર 140 રૂપિયા મોંઘાં થઈ ગયાં છે.

અમદાવાદમાં હવે સબસિડી વગરના ઘરેલુ ઉપયોગ માટેના નવા LPG સિલિન્ડરની વધેલી કિંમત 841.50 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે કમર્શિયલ ઉપયોગ માટેના LPG સિલિન્ડર માટે 1562.50 રૂપિયા ચૂકવવા પડશે.દિલ્હીમાં આ વર્ષે 1 જાન્યુઆરીએ LPG સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો.1 જુલાઈના રોજ આ કિંમત 834 રૂપિયા થઈ ગઈ છે, એટલે કે આ વર્ષે 138.50 રૂપિયા ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે.4 ફેબ્રુઆરીએ ભાવ વધારીને સિલિન્ડરદીઠ 719 રૂપિયા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 15 ફેબ્રુઆરીના રોજ ભાવ 769 અને 25 ફેબ્રુઆરીએ 794 રૂપિયા કરવામાં આવ્યા હતા.1 માર્ચે સિલિન્ડરની કિંમત ઘટાડીને 819 રૂપિયા કરવામાં આવી હતી.

એપ્રિલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે જુલાઈમાં ભાવ 834.50 રૂપિયા કરવામાં આવ્યો છે.સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ-સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. ત્યાર બાદ કિંમતમાં વધારો કે ઘટાડો અથવા સ્થિર રાખવાનો નિર્ણય કરે છે. આ અગાઉ જૂન મહિનામાં સરકારે 19 કિલોવાળા કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

Next Story