નવસારી : ચીખલી કસ્ટોડીયલ ડેથ કેસમાં પીઆઇ અને કોન્સટેબલે આગોતરા જામીન અરજી કરી
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં પુછપરછમાં લવાયેલા બે યુવાનોના કસ્ટોડીયલ ડેથ કેસમાં પીઆઇ, પીએસઆઇ સહિત ચાર જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં પુછપરછમાં લવાયેલા બે યુવાનોના કસ્ટોડીયલ ડેથ કેસમાં પીઆઇ, પીએસઆઇ સહિત ચાર જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ચકચારી કેસમાં ચીખલીના તત્કાલીન પીઆઇ અજિતસિંહ વાળા અને કોન્સટેબલ શકિતસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી છે..
નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં પુછપરછમાં લેવાયેલા આદિવાસી સમાજના બે યુવાનોએ પોલીસ સ્ટેશનના કોમ્પયુટર રૂમમાં એક જ વાયરથી ફંદો બનાવી આપઘાત કરી લીધો હતો. તારીખ 21મી જુલાઇના રોજ બનેલી કસ્ટોડીયલ ડેથની ઘટના શરૂઆતથી જ શંકાસ્પદ હતી. ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જીલ્લા પોલીસવડાએ કરાવેલી તપાસમાં બંને યુવાનોનું મોત નીપજાવી મૃતદેહ પંખા સાથે લટકાવી દેવાયા હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં ચીખલીના તત્કાલીન પીઆઇ અજીતસિંહ વાળા, પીએસઆઇ સહિત ચાર જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીઆઇ વાળા તથા કોન્સટેબલ શકિતસિંહ ઝાલાએ પોલીસની ધરપકડથી બચવા માટે નવસારી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ અરજીના સંદર્ભમાં જેની સુનાવણી આગામી 10 તારીખે થઈ શકે છે. ચીખલી પોલીસ સ્ટેશનના કસ્ટોડિયલ ડેથ કેસ મામલે પોલીસે પીઆઈ અજિતસિંહ વાળા, પીએસઆઈ એમ.બી. કોકણી, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ રામજી યાદવ સામે હત્યા અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.