Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરા ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ

પંચમહાલ : ગોધરા ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ
X

પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે આગામી 15મી જુલાઈથી શરૂ થઈ રહેલી ખાનગી, રિપીટર અને આઇસોલેટેડ વિદ્યાર્થીઓ માટેની એસ.એસ.સી, એચ.એસ.સી. પરીક્ષાઓને ધ્યાને રાખી કરવામાં આવી રહેલી તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. કોરોના સંક્રમણ સામે સલામતીની એસ.ઓ.પી.ના પાલનમાં કોઈ પણ બાંધછોડ ન થાય તેમ આયોજન કરવા વિશે તેમણે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.

શિસ્તને લગતા કોઈ પ્રશ્નો ન ઉદભવે, નિયમો અંગેના અજ્ઞાનના કારણે કોઈ સમસ્યા, ઘર્ષણ કે મુશ્કેલી ઉભી ન થાય, ગેરરીતિને કોઈ અવકાશ ન રહે, વિદ્યાર્થીઓ શાંતિથી નિશ્ચિંતપણે પરીક્ષા આપી શકે તેવો માહોલ સર્જવા માટે તેમણે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. મોબાઈલ લાવવા, પરીક્ષા ખન્ડમાં એન્ટ્રી અને ગેરરીતિ કરતા પકડાવવા પર થનારી શિક્ષા વિશે પરીક્ષાર્થીઓને સારી રીતે માહિતગાર કરવા તેમણે જણાવ્યું હતું. 28 જુલાઈ સુધી ચાલનારી આ પરીક્ષાઓ દરમિયાન કેન્દ્રો પર પાણી, શૌચાલય, વીજ પુરવઠો, પ્રાથમિક મેડિકલ સારવાર, ટ્રાન્સપોર્ટ માટે બસ સહિતના વાહનોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા જિલ્લા સમાહર્તાએ સૂચના આપી હતી.


બેઠક બાદ એક ઓનલાઈન વીસીમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના તમામ જિલ્લાઓને કોરોનાના કપરા સમય બાદ આ પરીક્ષાઓના આયોજનના પડકારરુપ કાર્ય અંગે સૂક્ષ્મ માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, નિવાસી અધિક કલેકટર એમ.ડી. ચુડાસમા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. પટેલ, વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રમુખો સહિતના સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના ધોરણ-10 અને 12ના કુલ 14,865 ખાનગી અને રિપીટર વિદ્યાર્થીઓ માટે 73 પરીક્ષા બિલ્ડીંગના 705 બ્લૉકમાં સમુચિત વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ-10ના કુલ 10,705 વિદ્યાર્થીઓ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના કુલ 3320 અને વિજ્ઞાન પ્રવાહના કુલ 840 ખાનગી, રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે જિલ્લાના 19 પરીક્ષા કેન્દ્રોના 73 પરીક્ષા બિલ્ડીંગના 705 બ્લોકમાં કોરોના સામે સલામતીને ધ્યાનમાં રાખીને સઘન આયોજન કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સેનેટાઇઝર અને થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવશે.

શિક્ષણ નિરીક્ષક એ.એ.બારીયા અને મેહુલ પારેખની નિમણુંક ઝોનલ અધિકારી તરીકે કરવામાં આવી છે. તમામ બ્લોક પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે. એસ.એસ.સી.ની પરીક્ષાનો સમય સવારે 10.00 થી 13.15, સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ સવારે 10.00 થી 13.15 તેમજ 14.30 થી 17.45 કલાકે અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 14.30 થી 18.00 કલાકે યોજાશે.

Next Story