Connect Gujarat
ગુજરાત

પાટણ : AAP દ્વારા મંજૂરી વિના યોજાયો જાહેર કાર્યક્રમ, વિજય સુવાળા સહિતના નેતાઓની અટકાયત

પાટણ : AAP દ્વારા મંજૂરી વિના યોજાયો જાહેર કાર્યક્રમ, વિજય સુવાળા સહિતના નેતાઓની અટકાયત
X

પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા મંજૂરી વગર યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જોકે, મંજૂરી વગર યોજાયેલ કાર્યક્રમને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યક્રમો કરી રહી છે, ત્યારે પાર્ટીના સ્થાનિક આગેવાનો અને પ્રદેશ નેતાઓ હાજર રહીને લોકોને પાર્ટી સાથે જોડી રહ્યા છે. તેવામાં પાટણ જિલ્લાના ગામડાંમાં પણ પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. સમી તાલુકાના વેડ ગામે આમ આદમી પાર્ટીનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા વિજય સુવાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી, જિલ્લા પ્રમુખ પ્રશાંત ચૌધરી અને સમી તાલુકા પ્રમુખ મહેશ ઠાકોરનું સામૈયાનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે, મંજૂરી વગર યોજવામાં આવેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે કોરોના ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો હોવાના દ્રશ્યો જોઈ પોલીસે વિજય સુવાળા સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત 15થી વધુ નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી.

જોકે, પોલીસ દ્વારા ચાલુ કાર્યક્રમ દરમ્યાન આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરતાં એક સમયે માહોલ પણ ગરમાયો હતો, આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા બાદ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા.

Next Story