તંત્ર દ્વારા ભરચોમાસે ગટર લાઇનની કામગીરી
ઝરમર ઝરમર વરસાદને લઈને કાદવ-કીચડનું સામ્રાજ્ય
પાલિકા એન્જીનીયર તથા કોન્ટ્રાક્ટર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન
કાદવ અને કીચડ થતાં સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો
વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોની તંત્રને રજૂઆત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની ગોકુલપાર્ક સોસાયટીમાં પાલિકા દ્વારા ભર ચોમાસે ગટર લાઇનની કામગીરી કરવામાં આવતા કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે નં. 48 નજીક આવેલ ગોકુલપાર્ક સોસાયટીમાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ભર ચોમાસે ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે રહીશોમાં પ્રાંતિજ પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ઝરમર વરસાદ વચ્ચે સોસાયટીમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાતા રહીશોને સોસાયટીમાંથી કામ અર્થે બહાર જવું પણ મુશ્કેલ બન્યું છે. તો બીજી તરફ, લોકોને પોતાના વાહનો પણ સોસાયટીની બહાર મુકવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજ પાલિકાના એન્જીનીયર તથા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ભર ચોમાસે કામ હાથ લેતા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યુ હોય તેવું લોકોના મુખે ચર્ચાઇ રહ્યું છે.