ઇડર તાલુકાના કુકડિયા ગામનું અનોખુ સખી મંડળ
પ્રમુખ શિવશક્તિ સખી મંડળની બહેનોની કામગીરી
શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું કરી રહી છે નિર્માણ
મૂર્તિઓનું વેચાણ કરી મેળવાય રહ્યું આર્થિક ઉપાર્જન
અનેક જળજીવોનું જીવન બચાવી રહી છે મહિલાઓ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કુકડિયા ગામના પ્રમુખ શિવશક્તિ સખી મંડળની બહેનો દ્વારા ભગવાન શ્રી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ અને વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામ કુકડિયામાં બહેનોનું પ્રમુખ શિવશક્તિ સખી મંડળ ભગવાન શ્રી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે. પર્યાવરણની સુરક્ષા સામે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પર્યાવરણ માટે સાનૂકુળ છે. આ સખી મંડળમાં કામ કરતા વનિતાબેન જણાવે છે કે, છેલ્લા 3 વર્ષથી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનુ નિર્માણ કરવામાં આવે છે. આ બહેનો અખાત્રીજથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે, અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે. આ સુશોભન માટે વોટર કલરનો ઉપયોગ થાય છે, જે ઇકોફ્રેન્ડલી છે. જેથી આ મૂર્તિઓની માંગ આવનારા દિવસોમાં વધુ રહેશે.
જોકે, સખી મંડળની આ બહેનોને ગુજરાત માટીકામ કલા-કારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા માટી પુરી પાડવામાં આવે છે. આ મૂર્તિઓને વિસર્જીત કરાતા તેની માટી પાણીમાં ઓગળી જાય છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે. જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ન થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય. આ મૂર્તિઓ ઘરે પણ કુંડ બનાવી વિસર્જીત કરી શકાય તેવી હોય છે. ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમને આ મુર્તિ બનાવવાની આપવામાં આવે છે. જેમાં ગામની ૩૦ જેટલી બહેનોને તાલિમ આપવામાં આવી હતી. આજે આ સખી મંડળમાં 10 જેટલી બહેનો કામ કરે છે. મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને સરકાર દ્વારા વિશેષ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, ત્યારે આ સખી મંડળની દરેક બહેનો માત્ર પૈસા જ નથી કમાતી પરંતુ પર્યાવરણને શુદ્ધ રાખી અનેક જળ જીવોનું જીવન પણ બચાવે છે.