સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાની મીર જ્ઞાતિની મહિલાઓએ પોતાની હસ્તકળા થકી ભારતભરમાં જ નહીં, પણ હવે વિશ્વ ફલક સુધી પોતાની સુહાસ ફેલાવી છે..આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં...
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં રહેતા મીર જ્ઞાતિ ના લોકો પહેલા પોતાના અસ્તિત્વ માટે જંગ ખેલવો પડ્યો હતો. પરંતુ પોતાની પરંપરાગત હસ્તકલામાં માહેર મીર જ્ઞાતિ ની ઓળખ ભારતભરમાં જ નહીં, પણ હવે વિશ્વ ફલક સુધી પહોંચી છે. ઓસ્ટ્રેલિયન કેરોલ ડગ્લાસની ડેઝર્ટ ટ્રેડીશન ટીમે અગાઉ દસાડાના મીર જ્ઞાતિના પરિવાર દીઠ 350 યુરો ફાળવી સ્થાનિક ડો. ભદ્રેશ પરીખ દ્વારા મીર જ્ઞાતિના તમામ સભ્યોનું નિયમીત મેડીકલ ચેકઅપની શરૂઆત કરાવી હતી. સાથે મીર જ્ઞાતિની મહિલાઓ દ્વારા બીડવર્કની હસ્તકળા દ્વારા તૈયાર કરેલ ઉત્કૃષ્ઠ જ્વેલરીને વિક્ટોરિયા અને લંડનના આલબર્ટ મ્યુઝિયમ શોપ સુધી પહોંચાડી હતી. સાથે કચ્છ-ભુજની એક ટુરિસ્ટ શોપે આ મહિલાઓ દ્વારા હસ્તકળાથી તૈયાર કરેલ બ્રેસલેટનો મોટો ઓર્ડર પણ આપ્યો હતો.
કહેવાય છે કે આજથી કેટલાક વર્ષો અગાઉ ઓસ્ટ્રેલિયાથી રણની મુલાકાતે આવેલા કેરોલ ડગ્લાસે ડેઝર્ટ ટ્રેડીશન નામનું સંગઠન બનાવી દસાડા રણ રાઇડરના મુજાહિદ ખાન મલિકના સહયોગથી એક ટીમ બનાવી મીર જ્ઞાતિના પરિવારોને જમીન ફાળવી અને એમને રહેવા માટેના આવાસો બનાવી આપ્યા હતા.જેમાં ઓસ્ટ્રેલિયન યુવાનની ટીમે આ પરિવારો માટે સુકા મેદાનમાં જગ્યા ફાળવી અને વોટરપ્રુફ કવર સાથેના (અત્યાધુનિક ટેન્ટ સાથેના) આવાસો બનાવી આપ્યા હતા. જેના આધારે રાજ્ય સરકારે આ પરિવારો માટે નહાવા ધોવા સહિતની પાણીની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ આ મીર જ્ઞાતિના પરિવારોની મહિલાઓની હસ્તકળાને આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડી નામના અપાવી હતી.
ગુજરાત સરકાર, ભારતીય ઉધ્યમિતા વિકાસ સંસ્થાનના સહયોગથી એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા મીર જ્ઞાતિની મહિલાઓ માટે મોતી કામ દ્વારા રાખડીઓ બનાવવાની તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એકલવ્ય ફાઉન્ડેશનના માસ્ટર ટ્રેનર નિયતિ કુકાડીઆ અને નૈત્રી પટેલ અને દસાડા મીર જ્ઞાતિની સકીના મીર અને અમિના મીર દ્વારા મીર જ્ઞાતીની 30 જેટલી મહિલાઓ મોતી કામ દ્વારા અનોખી રાખડી બનાવવાનું પ્રશિક્ષણ અને કીટ આપવામાં આવી હતી. દસાડાની મીર જ્ઞાતિની મહિલાઓ બનાવેલી મીણબત્તી મૂકવાના લાઇટ હોલ્ડર્સની અમેરિકા અને કેનેડામાં વ્યાપક માંગ જોવા મળી હતી. ગત વર્ષે જ અમેરિકા અને કેનેડાથી આ મીણબત્તી મૂકવાના લાઇટ હોલ્ડર્સના 500-500 નંગના ઓડર્સ મળ્યા હતા.મીર જ્ઞાતિની મહિલાઓ આ મોતીકામ પેઢી દર પેઢી પરંપરાગતરીતે કરતા આવ્યા છે. એ લોકો ટ્રેડીશનલ વસ્તુઓ જ બનાવતા હતા. અને હવે તેઓ બંગડી, બુટીયા, રાખડી કે ચશ્માની દોરી જેવી બજારમાં ચાલતી મોર્ડન લોકોને ગમતી વસ્તુઓ બનાવતા થયા છે. જેમાં એ લોકો અમદાવાદની બજારમાંથી જથ્થાબંધ મોતીઓની એક સાથે ખરીદી કરી સોય દોરા વડે ઝીણવટભર્યું કામ કરે છે. એમની કોઇ સંસ્થા કે સંગઠન ન હોવાથી એમને હજી કોઇ એવોર્ડ કે સર્ટિફિકેટ મળ્યા નથી. પરંતુ એમણે મોતીકામથી બનાવેલી વસ્તુઓની ભારતભરમાં જ નહીં પણ વિદેશોમાં પણ જોરદાર બોલબાલા છે.