Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : મીઠાનું રણ પાણીમાં, તોય અગરિયા રહ્યા તરસ્યા, વાંચો વધુ..!

સુરેન્દ્રનગર : મીઠાનું રણ પાણીમાં, તોય અગરિયા રહ્યા તરસ્યા, વાંચો વધુ..!
X

એક તરફ અગરિયાઓને રણમાં ટેન્કરો દ્વારા 20 દિવસે પીવાનું પાણી મળે છે, તો બીજી તરફ રણમાં નર્મદાના લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રણમાં સંખ્યાબંધ પાટામાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા આખા રણમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે કહી શકાય કે, આખુ રણ પાણી-પાણી, તોય અગરિયા તરસ્યાને તરસ્યા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જીલ્લાને અને એમાય સૂકાભઠ્ઠ ગણાંતા રણકાંઠા વિસ્તારને થયો હોવાની નર્મદા વિભાગ દ્વારા ગુલબાંગો ફુંકવામાં આવે છે, ત્યારે રણમાં દર વર્ષે લાખો ગેલન નર્મદાનું પાણીનો બેરોકટોક વ્યય થાય છે. આ વર્ષે હાલમાં રણમાં 17મી વખત 40 કિ.મી.માં નર્મદાનું પાણી ફરી વળતા તબાહીનું મંજર જોવા મળ્યું હતું. એક બાજુ અભયારણ્ય વિભાગ ઘૂડખરને નુકશાન થવાનું જણાવી મીઠું પકવતા અગરિયાઓ માટે જમીનની અંદર પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપતું નથી, અને બીજી બાજુ રણમાં નર્મદાનું પાણી વેડફાતા હજારો અગરિયા પરિવારો પાયમાલ અગરિયાઓ માટે એકબાજુ કૂવોને બીજી બાજુ ખાઇ જેવો હાલ થવા પામ્યાં છે. આ દયનીય પરિસ્થિતિના લીધે રણમાં પરંપરાગતરીતે પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયા સમુદાયને સામુહિક હિજરત કરવાની નોબત આવી છે. આ અંગેની પ્રાપ્ત ચોંકાવનારી હકીકત મુજબ, આખા સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઇએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરોકટોક વેડફાઇ રહ્યું છે. આ અંગે લાગતા વળગતા તંત્રને અનેકો વખત કરાયેલી રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરે છે.

સુરેન્દ્રનગરના ખારાઘોડા, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રાના કૂડા રણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 17 વખત નર્મદાના નીર અગરિયાઓના પાટામાં ફરી વળતા હજારો અગરિયાઓ પાયમાલ બની ગયા હતા. છેવાડાનો માનવી ગણાતા એવા અગરિયાનું સાંભળનાર હવે કોઇ નથી અને આદોલન કરવાનો એમની પાસે સમય નથી. વર્ષ 2017માં રણમાં નર્મદાના નીર અગરિયાઓના પાટામાં ફરી વળતા કલેક્ટર દ્વારા એક કમિટી બનાવી રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાના નીરથી થયેલી નુકશાનીનો સર્વે કરાયો હતો. જેમાં નર્મદાનું આ પાણી રણમાં 70 કિ.મી.સુધી ફરી વળતા સર્વેમાં અંદાજે 136 જેટલા અગરિયાઓને રૂ. દોઢથી પોણા બે કરોડનું નુકશાન આવ્યું હતુ. પરંતુ આજ દિન સુધી અગરિયાઓને રાતી પાઇ પણ સહાય મળી નથી એ પણ ચોંકાવનારૂ સત્ય છે. રણમાં દેગામ, સવલાસ અને હિંમતપુરા તથા અંબિકા રણમાં દર વર્ષે નર્મદાનું ચિક્કાર પાણી આવતા દેગામ સહિતના રણમાં દોઢસોથી વધુ જેટલા મીઠાના પાટા છેલ્લા પાંચેક વર્ષથી બંધ થતાં એ અગરિયા પરિવારોને મજૂરી કામ અર્થે સામુહિક હિજરત કરવાની નોબત ઉભી થઇ હતી. પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય માટે પીવાના પાણીની પાઇપલાઇન નાખવા લવાયેલી દોઢ કરોડની પાઇપલાઇનની મંજૂરી અભયારણ્ય વિભાગે ના આપતા દોઢ કરોડની પાઇપલાઇન પડી પડી સડીને ભંગાર થઇ ગઇ હતી. બીજી બાજુ રણમાં લાખો ગેલન પાણી બેરોકટોક વેડફાઇ રહ્યું હોવાથી રણમાં ચારેકોર પાણી જ પાણી તોય અગરિયા તરસ્યા જેવો ગોઝારો ઘાટ સર્જાયો છે.

Next Story