ખેડૂતોના પાકને સારા ભાવ ન મળતા જગતનો તાત અત્યંત દુ:ખી થયો છે. બે દિ'અગાઉ હળવદના માથક ગામના ખેડૂતોએ લીબુંડી ઉપર ટ્રેકટર ફેરવી દીધા હતા. જ્યારે આજે રીંગણના ભાવ ગગડતા થાનના ચોરવીરાના ખેડૂતે ટ્રેક્ટર ભરીને રીંગણ ફેંકી દીધા હતા.
હાલમાં ચોમાસું ખેંચાવાના લીધે ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ છે. બીજી બાજુ ખેડૂતોને અેમના ઉભા પાકના ભાવ સારા ન મળવાના કારણે દુ:ખી દુ:ખી જોવા મળી રહ્યાં છે. આમ તો ઝાલાવાડના ખેડૂતો મુખ્યત્વે જીરૂ, એરંડા અને કપાસની ખેતી કરે છે. પરંતુ પાછલા કેટલાક સમયથી સારા પાકની આશાએ ઝાલાવાડના ખેડૂતો લીંબુ, રીંગણ સહિત બાગાયતી ખેતી તરફ વળ્યાં છે. ત્યારે કોરોના મહામારી બાદ લીંબુના ભાવ તળિયે બેસી જતા કંટાળી ગયેલ હળવદ પંથકના લીંબુ પકવતા ખેડૂતોએ બે દિ'અગાઉ ઉભા પાક ઉપર ટ્રેકટર ફેરવી લીબુંડીને કાયમી અલવિદા કરી દીધું હતુ. હાલમાં બજારમાં રૂપિયા 40 થી 150ના પ્રતિમણના ભાવે લીંબુ વેચાઈ રહ્યા છે.જેની સામે એક બાચકી લીંબુ ઉતારવાનો ખર્ચ શ્રમિકને રૂ.70 અને ભાડાના રૂપિયા 60 પ્રતિ બાચકું અને 10રૂપિયા દલાલી ચૂકવતા ખેડૂત પાછળ પ્રતિમણના માત્ર નજીવી રકમ બચે છે. એ જોતાં વીઘે પાંચ હજાર રૂપિયાની પણ કમાણી થતી ન હોય ખેડૂતો લીંબુના બગીચાથી કંટાળી ગયા હતા. સતત બે વર્ષથી આવી રહેલી મોટી ખોટને કારણે હળવદ પથંકના ખેડૂતોને ના છૂટકે લીંબુના બગીચા પર ટ્રેકટર ફેરવી દેવા મજબૂર થવું પડ્યું છે. લીંબુ બાદ હવે રીંગણના ખેડૂતોના ભાવ પણ તળીયે જતા નાસીપાસ થયેલા સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના ચોરવીરા ગામના ખેડૂતે પોતાની સીમના સેંકડો મણ રીંગણા ટ્રેક્ટરમાં ભરીને રસ્તામાં ઘા કરી દીધો હતો. એક બાજુ ઝાલાવાડ પથંકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો દુ:ખી છે ને બીજી બાજુ ખેડૂતોને એમના પાકનો સારો ભાવ ન મળતા એમની હાલત "પડ્યાં પર પાટું મારવાના ઘા"જેવી અત્યંત કફોડી બનવા પામી છે. આ અંગે રીંગણનું વાવેતર કરતા રણછોડભાઇ દલવાડી સહિતના ખેડૂતોએ જણાવ્યું કે હાલમાં રીંગણનો ભાવ છૂટક કિલોએ રૂ. 3થી 5નો છે અને જથ્થાબંધ મણે રૂ. 50થી 60નો ભાવ છે. અને એટલી જ અમારી પડતર કિંમત છે. આ રીંગણ વેચવા શાક માર્કેટમાં લઇ જવાનો ખર્ચો અને મજૂરીય અમારે માથે પડે એમ છે આથી અમે રીંગણનો તૈયાર પાક શાક માર્કેટમાં જઇએ તો ઘાડ કરતા ઘડામણ મોંઘી પડે એવો ઘાટ સર્જાતા અમે રીંગણનો તૈયાર પાક નાછૂટકે ફેંકી દેવા મજબૂર બન્યા છીએ. એક બાજુ કોરોનાનો કહેરને બીજી બાજુ તૈયાર પાકના ભાવ તળીયે બેસી જતા અમારી કમર જ તૂટી જવા પામી છે.