Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ચોરસ આકારનું એકમાત્ર ગામ ઝીંઝુવાડા, PMએ મન કી બાત કાર્યક્રમમાં ગામનો કર્યો ઉલ્લેખ

સુરેન્દ્રનગર: ચોરસ આકારનું એકમાત્ર ગામ ઝીંઝુવાડા, PMએ મન કી બાત કાર્યક્રમમાં ગામનો કર્યો ઉલ્લેખ
X

રણકાંઠાના ઝીંઝુવાડાના ઐતિહાસિક જાજરમાન દરવાજાઓ આજેય હવા સાથે વાતો કરતા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. ત્યારે પૂરાતત્વ વિભાગ દ્વારા ભવ્ય ભૂતકાળને વાગોળતા આ ઐતિહાસિક દરવાજાઓ ફરી જીવંત કરવામાં આવે ઝીંઝુવાડા અને ગુજરાતનું ઐતિહાસિક વારસો ધરાવતુ આદર્શ ગામ બની શકે.

વધુમાં ઐતિહાસિક ઝીંઝુવાડા ગામ ચોરસ આકારમાં ફેલાયેલું ગુજરાતનું એકમાત્ર ગામ છે. અને તાજેતરમાં પ્રધાનમંત્રીએ "મન કી બાત"માં પણ ઝીંઝુવાડા ગામનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.પાટડીથી માત્ર 30 કિ.મી.દૂર આવેલા ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની મુલાકાત લો તો તમને ગામમાં પ્રવેશતા જમણી બાજુ સિંહસર તળાવ અને ડાબી બાજુ સમર વાવ આવેલી છે.

આ વાવ નીચેથી આજે પણ સરસ્વતી નદીનો ગુપ્ત પ્રવાહ વહે છે. ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની ફરતે સળંગ આખી શીલાવાળો કિલ્લો પ્રાચિન નમુનારૂપ છે. આ કિલ્લા પર આખો ટ્રક એક છેડેથી બીજા છેડે જઇને પાછો આવી શકે એટલી પહોળાઇવાળો આ કિલ્લો છે. આ ઐતિહાસિક કિલ્લાને ફરતા આવેલા હવા સાથે વાતો કરતા ચાર જાજરમાન દરવાજાઓને રક્ષિત સ્મારકોમાં સમાવાયેલા હોવા છતાં ભવ્ય ભૂતકાળને વાગોળતા અત્યંત જર્જરીત હાલતમાં ઊભા છે.

આથી પૂરાતત્વ વિભાગ દ્બારા આ જર્જરીત બનેલા ઝીંઝુવાડાના ચારેય દરવાજાઓને રીપેરીંગ કરી ભવ્ય ભૂતકાળને ફરી જીવંત કરવામાં આવે એવી વ્યાપક માંગ ઝીંઝુવાડાના ગ્રામજનોએ ઉઠાવી છે.


ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે આવેલા ઐતિહાસિક પાટડી નગરની ભૂમિના રજકણોમાં સૈકાઓથી પ્રેમ, શોર્ય અને ધર્મનું સુમધુર મિલન થયેલું છે. શક્તિમાતાના પ્રાગટ્યસ્થાન ગણાતા એવા પાટડી નગરની ઐતિહાસિક ભૂમિ પર હરપાળદેવ અને શક્તિદેવી એ બે મહાશક્તિશાળી આત્માઓનું મિલન થયું હતુ.એ સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાયો છે. એવા સુવર્ણકાળમાં વિ.સં.1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. એ સમયે પાટડી ગામની ઉત્તરે ઊંચાણવાળી ભૂમિ પર ઇતિહાસ પ્રસિધ્ધ અજેય રાજગઢી આવેલી છે. જે ઊંચા બુરજોવાળા પથ્થરના મજબૂત કિલ્લાથી રચાયેલી છે.

દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં "મન કી બાત" કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જીલ્લાના ઐતિહાસિક ઝીંઝુવાડા ગામના ભવ્ય ભૂતકાળને વાગોળતા બંદરની જાહોજલાલીની વાતો કરી છે. ઘણા વર્ષો પહેલા ઝીંઝુવાડા એક બંદર હતુ. કચ્છના અખાતનો એક છેડો છેક ઝીંઝુવાડા સુધી જતો હતો. ઝીંઝુવાડા બંદરે વહાણ આવતા અને નાંગરતા હતા. આજે આ ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતી હવા સાથે વાતો કરતી ઐતિહાસિક દિવા દાંડી નજરે પડે છે.

Next Story
Share it