Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : કાલોલ પાલિકા તંત્રની ઘોર બેદરકારીનું પોત પ્રકાશ્યું

20 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ચાલક ફસડાઈ પડ્યો.

પંચમહાલ : કાલોલ પાલિકા તંત્રની ઘોર બેદરકારીનું પોત પ્રકાશ્યું
X

પંચમહાલ જિલ્લાના કાલોલ નગરપાલિકા દ્વારા નગરના મુખ્ય તળાવનું પાણી પોલીસ સ્ટેશન સામે આવેલી તલાવડીમાં ખાલી કરવા અંગે પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત કુમારશાળા નજીકના રસ્તા પર લગભગ 20 ફૂટ ઊંડો ખાડો કરીને પાઈપલાઈન પસાર કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ જવાબદાર પાલિકા અને કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીએ ચાલુ કામગીરી દરમ્યાન રસ્તો બંધ કરવાની કે, ખાડાની આસપાસ કોઈ દિશાસૂચક બોર્ડ કે, આ જગ્યાને કોર્ડન કરવાની પણ તસ્દી લીધી નહોતી. જેને કારણે અમુક લોકો ખાડાની આસપાસથી નિકળી જતા હતા. પરિણામે એક સ્થાનિક યુવક પોતાનું મોપેડ લઈને પસાર થતા સમયે ગમે તે કારણોસર તે મોપેડ સહિત 20 ફુટ ઊંડા ખાડામાં ફસડાઈ પડ્યો હતો.

સમગ્ર ઘટનામાં આ યુવકને ખાડામાં પટકાવાથી તેને શરીરના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. જેથી ઘટના સ્થળે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક અસરથી યુવકનું બચાવ કાર્ય હાથ ધરી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના અંગે બેદરકારી દાખવતા જવાબદાર કોન્ટ્રાક્ટર અને પાલિકા તંત્ર સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે જેસીબીની મદદથી ખાડામાં પડેલા મોપેડને પણ બહાર કાઢવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલોલ નગરમાં પાઈપલાઈનની કામગીરી દરમ્યાન અગાઉ પણ ગંભીર બેદરકારીના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. એ સમયે જવાબદાર કોન્ટ્રાકટર અને સાઈટ પરના સુપરવાઇઝર બન્નેને યોગ્ય રીતે કામ નહિ કરતા હોવા અંગે માજી પ્રમુખ અને સભ્યો દ્વારા જાહેરમાં તાકીદ કરી ચેતવ્યા હતા. તેમ છતાં પણ બેદરકારીમાં કોઇ સુધારો નહીં આવતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે બીજી તરફ નગરમાં આ અકસ્માત સર્જાયો હોવા છતાં પણ ઘટના સ્થળે પાલિકાનો કોઈ અધિકારીએ ફરકલું પણ નહીં મારતા પાલિકાના દુર્વ્યવહાર સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

Next Story