"દુર્ઘટના" : ધૂળેટી પર્વે સર્જાય કરુણાંતિકા, રાજ્યમાં 9 યુવાનો નદીમાં ડૂબ્યા...

સમગ્ર રાજ્યમાં આજના દિવસમાં સર્જાયેલા અલગ અલગ બનાવોમાં કુલ 9 લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.

New Update

સમગ્ર ગુજરાત રાજ્યમાં રંગેચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તહેવારની ઉજવણી વેળા નદીમાં ન્હાવા પડેલા 9 યુવાનો નદીમાં ડૂબી જવાની ઘટના સર્જાય હતી. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં તહેવારોની ઉજવણી સ્થગિત હતી, ત્યારે હવે સંક્રમણ ઓછું થતાં તહેવારોની ઉજવણી આ વર્ષે શક્ય બની છે.

ધૂળેટી પર્વે ઘણા લોકો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારીને પર્વ ઉજવ્યો છે. તો બીજી તરફ નદીમાં ન્હાવા ગયેલા યુવકો ડૂબી જતા ગમગીનીનો માહોલ સર્જાયો છે. સમગ્ર રાજ્યમાં આજના દિવસમાં સર્જાયેલા અલગ અલગ બનાવોમાં કુલ 9 લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં દ્વારકાના ભાણવડમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો હતો. ભાણવડમાં આવેલા ત્રિવેણી સંગમ ખાતે નદીમાં ન્હાવા પડેલા 5 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પાંચેય યુવાનો ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા પડ્યા હતા. એક સાથે પાંચેય યુવકો ડૂબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. સાથે જ યુવાનોના પરિવારના માથે આભ તૂટી પડતાં સમગ્ર ગામમાં શોકની લાગણી ફરી વળી છે. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકોની શોધખોળ કરવામાં આવી હતી. તો, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ધૂળેટી પર્વને લઇને મેળો ભરાયો હતો. અહીં લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા, જ્યાં ધૂળેટી રમ્યા બાદ 4 જેટલા યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી એક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય 3ની યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ચકચારી ઘટનાના પગલે બાલાસિનોર-સહેરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories