Connect Gujarat
ગુજરાત

વડોદરા: મગજનું કેન્સર, કિડનીમાં ચાર સ્ટેન્ટ છતાં જૈન વેપારીએ 51 ઉપવાસની કઠિન આરાધના કરી

પ્રથમ વર્ષે મે ત્રણ ઉપવાસનું અઠ્ઠમ તપ કર્યુ, પછીના બે વર્ષ આઠ દિવસના ઉપવાસની અઠ્ઠાઇ કરી, ચોથા વર્ષે ૩૦ દિવસના ઉપવાસનું માસક્ષમણ કર્યુ

વડોદરા: મગજનું કેન્સર, કિડનીમાં ચાર સ્ટેન્ટ છતાં જૈન વેપારીએ 51 ઉપવાસની કઠિન આરાધના કરી
X

વડોદરામાં રહેતા ધર્મેશભાઇ ટેકનોલોજી સપ્લાયનો વ્યવસાય કરે છે. તેઓએ અલકાપુરી જૈનસંઘમાં ચાતુર્માસ બિરાજમાન ગણીવર્ય ભક્તિચંદ્રવિજયજી મહારાજ અને ઉપાધ્યાય પુંડરીકવિજયજી મહારાજની નિશ્રામાં આ વખતે ૫૧ ઉપવાસની તપશ્ચર્યા કરી છે. ૧૧ જુલાઇએ ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. તા.૩૧ ઓગસ્ટ સંવત્સરીના દિવસે ૫૧ ઉપવાસ પૂર્ણ થશે અને તા.૧ સપ્ટેમ્બરે પાંચમના દિવસે પારણા થશે. જૈન પરંપરામાં ઉપવાસનો મતલબ સંપૂર્ણ ઉપવાસ હોય છે. માત્ર ઉકાળીને ઠંડુ કરેલુ પાણી જ પીવાની છૂટ હોય છે અને એ પણ સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી જ.ધર્મેશભાઇ કહે છે કે 'વર્ષ ૨૦૧૩માં મને મગજનું કેન્સર હોવાનું નિદાન થયુ. કેન્સરની સારવારમાં લેવાતી દવાઓના કારણે કિડની ખરાબ થઇ. મારી કીડનીમાં પણ ચાર સ્ટેન્ટ મુકવામાં આવ્યા છે. મારૃ આયુષ્ય પુરૃ થવાને આરે જ હતુ અને મારા પત્ની ક્રિષ્નાએ મને ચાતુર્માસમાં ઉપવાસની સલાહ આપી. મે એ સલાહનો અમલ કર્યો અને વર્ષ ૨૦૧૪થી ઉપવાસ તપની શરૃઆત કરી.

પ્રથમ વર્ષે મે ત્રણ ઉપવાસનું અઠ્ઠમ તપ કર્યુ, પછીના બે વર્ષ આઠ દિવસના ઉપવાસની અઠ્ઠાઇ કરી, ચોથા વર્ષે ૩૦ દિવસના ઉપવાસનું માસક્ષમણ કર્યુ, પાંચમા અને છઠ્ઠા વર્ષે ૪૪ ઉપવાસના સિધ્ધિ તપ કર્યા, ગયા વર્ષે ૪૮ ઉપવાસ કર્યા અને આ વર્ષે ૫૧ ઉપવાસનું તપ કર્યુ છે. અલકાપુરી જૈનસંઘમં ચાતુર્માસ બિરાજમાન પૂ.પા.શાસન સમ્રાટ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સમુદાયના પૂ.પંન્યાસ પ્રવર જગતચંદ્રવિજયજી મ.સા.ના શિષ્ય ગણીવર્ય ભક્તિચંદ્રવિજયજી મહારાજે જૈન ધર્મમાં ઉપવાસના મહત્વ અંગે વાત કરતા કહ્યું હતું કે 'ઉમાસ્વાતી મહારાજ વિરચીત 'તત્વાર્થધિગમ' ગ્રંથમાં લખ્યુ છે કે 'તપસનિર્જરા' તપથી જ પાપકર્મનો નાશ થાય છે. જૈન શાસ્ત્રોમાં તપના વિવિધ પ્રકાર છે જેમાંથી એક ઉપવાસ પણ છે.''નીકાચિત કર્મ એટલે એવા કર્મ કે તેને ભોગવવા જ પડે તે દાન પૂણ્ય કે અન્ય કોઇ પ્રકારે નાશ નથી પામતા પરંતુ ઉપવાસ તપ કરવાથી તે નાશ પામે છે. સૌથી કઠિન ઉપવાસમાં માસક્ષમણ એટલે કે આખા મહિનાના ઉપવાસ (માસક્ષમણ)અથવા તો તેથી વધુ દિવસોના ઉપવાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આયંબિલ પણ કઠીન તપ છે જેમાં આખો મહિનો માત્ર બાફેલુ અન્ન દિવસમાં એક જ વખત ગ્રહણ કરવાનું હોય છે. જેમાં તેલ, ઘી,મીઠુ, મરચુ, ખાંડ સહિત કોઇ પણ પ્રકારના મસાલા અને સ્વાદનો ઉમેરો કરવામાં નથી આવતો. સ્વાદની લાલસાને દૂર કરવાનું અમોઘ શસ્ત્ર ઉપવાસ છે.

Next Story