પારડીમાં કાર તણાતા માતા પુત્રના મોત
કોઝ વેના ધસમસતા પાણીમાં તણાઈ કાર
કારમાં સવાર હતું શિક્ષક દંપતી અને પુત્રી
શિક્ષક દંપતી પૈકી પતિનો બચાવ
NDRFએ માતા પુત્રીના મૃતદેહ બહાર કાઢયા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામે ભારે વરસાદને કારણે નીચાણવાળો ભેસુ ખાડીનો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ જતા માતા અને પુત્રીનું મોત થયુ છે. આ કારમાં પતિ-પત્ની અને પુત્રી સવાર હતા. જેમાં સદનસીબે પતિનો આબાદ બચાવ થયો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશ ગોવનભાઇ પટેલ પારડી ખાતે રોયલપાર્કમાં પરિવાર સાથે રહે છે. મહેશ પટેલ પારડીના અંબાચ ગામે શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા પત્ની તનાશા અને પુત્રી યશવી સાથે તારીખ 20મી ઓગષ્ટ બુધવારે આઇ10 કારમાં કામ અર્થે ડુમલાવ ગયા હતા. પટેલ પરિવાર ડુમલાવથી પરત પારડી કારમાં આવી રહ્યો હતો. તે દરમિયાન પારડીના તરમાલિયા ગામે ભેસુ ખાડીના નીચાણવાળા કોઝ વે પરથી લગભગ 4 ફુટ ઊંચાઇએ પાણીનો ધસમસતો પ્રવાહ આવતા કાર પાણીના વહેણમાં તણાઈ હતી. ઘટનાને પગલે ગામ લોકો અને તરવૈયા દોડી ગયા હતા. પારડીના મામલતદાર સહિતની ટીમ પણ દોડી ગઇ હતી. ચાલક મહેશ પટેલને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ પત્ની-પુત્રી કાર સાથે ગુમ થયા હતા
એનડીઆરએફની ટીમ અને પારડીના ચંદ્રપુરના લાઈફ સેવર ટ્રસ્ટના સભ્યોએ રેસ્ક્યુ શરૂ કર્યું હતું. જો કે અંધારાને કારણે રેસ્ક્યુની કામગીરી વિલંબમાં પડી હતી. આજે ગુરુવારે વહેલી સવારે ખાડામાંથી કાર મળી આવ્યા બાદ કારમાંથી તનાશા અને યશવીના મૃતદેહ મળી આવ્યા હતા.આ ઘટનાને પગલે લોકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે, વર્ષોથી ચોમાસામાં ભારે વરસાદને કારણે નીચાણવાળો કોઝ વે પાણીમાં ડૂબી જાય છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં કરાતા ભારે યાતના ભોગવવી પડે છે.