Connect Gujarat

કલમ 370 નાબૂદીના 2 વર્ષઃ જાણો જમ્મુ કાશ્મીરના આ મોટા ફેરફારો વિશે

કલમ 370 નાબૂદીના 2 વર્ષઃ  જાણો જમ્મુ કાશ્મીરના આ મોટા ફેરફારો વિશે
X

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 અને 35 (A)ને સમાપ્ત થયાના બે વર્ષ પૂરા થઈ ગયા છે. ત્યારબાદ રાજ્યને બે કેન્ર્અ શાસિત પ્રદેશો- જમ્મુ અને કાશ્મીર તથા લદાખમાં વહેંચવામાં આવ્યું હતું. બંધારણના આ હિસ્સાઓના કારણે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો મળ્યો હતો અને પોતાના મૂળ નિવાસીઓને નિયમ નક્કી કરવાનો અધિકાર પ્રાપ્ત હતો. જોકે, બે વર્ષ બાદ પણ ક્ષેત્રમાં રાજકીય ઉથલ-પાથલ ચાલુ છે. અનેક રાજકીય પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ફરી અપાવવા માટે કામ કરી રહ્યા છે.

પાકિસ્તાન પરસ્ત આતંકવાદનો ડંખ યાદ કરીને આજે પણ પોતાની માટીથી અલગ થયેલા કાશ્મીરી પંડિતો ધ્રુજી ઉઠે છે. 3 દશકા બાદ પણ તેમને તે સમયની યાતનાઓ યાદ છે. પોતાના ભાઈ-બહેન, મા-બાપ અને દીકરીઓને ગુમાવવાનું દુખ તેમના ચહેરા પર સ્પષ્ટ ઝળકી આવે છે. પરંતુ કલમ 370 નાબૂદીના કારણે તેમનામાં નવી આશાનું સિંચન થયું છે. તેમને આશા છે કે, તેઓ ફરી પોતાના ઘરે પાછા ફરી શકશે. ઘાટી ફરીથી પંડિતો વડે ગુલઝાર થઈ ઉઠશે. ફરીથી તેઓ મહાશિવરાત્રિ વખતે વિતસ્તાના કિનારે કર્મકાંડ કરી શકશે. આ તરફ સરકારે પણ પંડિતોની ઘરવાપસીની દિશામાં ઝડપથી પ્રયત્નો શરૂ કરી દીધા છે. ઘરે પાછા ફરવા ઈચ્છતા પંડિતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. ટ્રાન્જિટ કેમ્પ માટે જમીનની પસંદગી કરી દેવાઈ છે. રોજગારી માટે પીએમ પેકેજ અંતર્ગત ભરતીઓ કરવામાં આવી રહી છે. ઘાટીમાં કાશ્મીરી પંડિતોની જમીનો પર થયેલા કબજા છોડાવવા માટે પણ પ્રયત્નો થઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત 2015માં 6,000 ટ્રાન્જિટ આવાસ અને 6,000 નોકરીઓ સ્વીકૃત કરી હતી. આ માટે 920 કરોડ રૂપિયાની રાશિ મંજૂર કરવામાં આવી હતી. ઉપરાંત પર્યટન વિભાગે શ્રીનગરના હનુમાન મંદિર સહિતના અન્ય હિંદુ ધર્મસ્થળોની દશા સુધારવા માટે પણ પ્રયત્નો શરૂ કરી દીધા છે.

ચાલો તો જાણીએ કે કલમ 370 નાબૂદી બાદ શું ફેરફાર થયા છે.

  • કલમ 370ના અનુસંધાનમાં પહેલા જમ્મુ કશ્મીરની બહારના લોકો અહિયાં જમીન કે મિલકત ખરીદી કરી શકતા ન હતા પરંતુ કલમ 370 નાબૂદી બાદ હવે બહારના લોકો પણ જમીન ખરીદી શકે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં કેન્ર્ સરકારે અન્ય રાજ્યોમાં રહેનારા લોકો માટે પણ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવાનો રસ્તો તૈયાર કરી દીધો હતો. સરકાર તરફથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીન વિક્રયથી જોડાયેલા જમ્મુ-કાશ્મીર વિકાસ અધિનિયમની કલમ 17થી એ વાક્ય હટાવી દીધું હતું, જેમાં રાજ્યના સ્થાયી રહેવાસીની વાત કરવામાં આવી હતી. જોકે, આ સંશોધન બાદ પણ કેટલાક મામલાઓને બાદ કરતાં સરકારે કૃષિ જમીનને બિન-ખેડૂતોને આપવાની મંજૂરી નથી આપી.
  • હવેથી સ્થાનિક મહિલાઓના પતિ પણ અહીના મૂળ નિવાસી બની શકશે. જુલાઈમાં થયેલા નિયમોમાં ફેરફાર બાદ જમ્મુ-કાશ્મીરના બહાર અન્ય રાજ્યોમાં લગ્ન કરનારી મહિલાઓના પતિ પણ મૂળ નિવાસી પ્રમાણ પત્ર પ્રાપ્ત કરી શકશે. તેને કારણે તેઓ ત્યાંની સંપત્તિ પણ ખરીદી શકશે કે સરકારી નોકરીઓ માટે અરજી કરી શકશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં 15 વર્ષ સુધી રહેનારા કે 7 વર્ષ સુધી અભ્યાસ કરનારા અને ક્ષેત્રની ધોરણ-10 કે ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં સામેલ થનારા લોકો અને તેમના બાળકો પણ મૂળ નિવાસીનો દરજ્જો પ્રાપ્ત કરી શકશે.
  • આર્ટિકલ 370 હટ્યા બાદ શ્રીનગરના શાસકીય સચિવાલયમાં ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો. જોકે, આ દરમિયાન રાજ્યનો પોતાનો ધ્વજ ગાયબ હતો.
  • 31 જુલાઈએ જાહેર આદેશ બાદ પથ્થરબાજો પાસપોર્ટ અને સરકારી સેવાઓનો લાભ નહીં લઈ શકે. જમ્મુ-કાશ્મીર પોલીસની સીઆઇડી વિંગે પથ્થરબાજી કે વિધ્વંસમાં સામેલ લોકોને પાસપોર્ટ અને સરકારી સેવાઓ માટે સિક્યુરિટી ક્લીયરન્સ આપવાની મનાઈ કરી દીધી છે.
Next Story
Share it