Connect Gujarat
દેશ

378 દિવસ બાદ સમેટાયુ ખેડૂત આંદોલન, દિલ્હી બોર્ડર પરથી ટેન્ટ હટાવવાનું શરૂ કરાયુ

સિંધુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ ઉખેડવાની શરૂઆત કરી દીધી છે.

378 દિવસ બાદ સમેટાયુ ખેડૂત આંદોલન, દિલ્હી બોર્ડર પરથી ટેન્ટ હટાવવાનું શરૂ કરાયુ
X

દિલ્હી બોર્ડર પર 1 વર્ષ 14 દિવસથી ચાલતું ખેડૂત આંદોલન આજે સાંજ સુધીમાં સમેટાઈ જશે. આ અંગે ખેડૂત સંગઠનો સહમત થઈ ગયાં છે. ખેડૂતો સામેના કેસ પરત ખેંચવા સહિતની તેમની દરેક માગણી પૂરી કરવાની ખાતરી આપતો પત્ર સરકાર તરફથી મળી ગયો છે. આજે સાંજે 5 વાગે ખેડૂત આંદોલન સમાપ્ત કરવાની ખેડૂત સંગઠન દ્વારા જાહેરાત કરાશે. સિંધુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ ઉખેડવાની શરૂઆત કરી દીધી છે. એ ઉપરાંત હવે આંદોલનકારીઓએ ઘરે પરત જવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.આંદોલનની આગેવાની કરનારાં પંજાબનાં 32 ખેડૂત સંગઠને તેમનો કાર્યક્રમ પણ બનાવી દીધો છે.

એમાં 11 ડિસેમ્બરે દિલ્હથી પંજાબ સુધીની વિજયકૂચ કરવામાં આવશે. સિંધુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતો એકસાથે પંજાબ માટે રવાના થશે.13 ડિસેમ્બરે પંજાબમાં 32 સંગઠોના નેતા અમૃતસરમાં આવેલા દરબાર સાહિબમાં દર્શન કરશે. ત્યાર પછી 15 ડિસેમ્બરે પંજાબમાં અંદાજે 116 જગ્યાએ શરૂ કરવામાં આવેલાં આંદોલન સમાપ્ત કરવામાં આવશે. હરિયાણાનાં 28 ખેડૂત સંગઠનોએ પણ પોતાની રણનીતિ બનાવી દીધી છે. પંજાબ અને હરિયાણાનાં ખેડૂત સંગઠનો સિવાય દરેક નેતાએ તેમના સંગઠન સાથે મીટિંગ કરીને આંદોલન સમાપ્ત કરવાની વાત કરી લીધી છે. જોકે હજી એના પર સંયુક્ત કિસાન મોરચાની મહોર લગાવવાની બાકી છે. સંયુક્ત કિસાન મોરચાના 5 સભ્યની હાઇ પાવર કમિટીના સભ્ય અશોક ધાવલેએ કહ્યું હતું કે અમને કેન્દ્ર સરકાર પાસેથી માગણીઓ સ્વીકારી હોવાનો ઓફિશિયલ લેટર મળી ગયો છે. હવે આ વિશે SKMની મીટિંગમાં નિર્ણય લેવાશે.

Next Story