Connect Gujarat
દેશ

બાબા બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યા, એક દિવસમાં 15 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

આજે બાબા બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે રવિવારે સવારે છ વાગ્યાને 15 મિનિટ પર શ્રદ્ધાળુઓ માટે બાબા બદ્રીનાથના કપાટ ખોલી દેવામાં આવ્યા છે

બાબા બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યા, એક દિવસમાં 15 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન
X

આજે બાબા બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે રવિવારે સવારે છ વાગ્યાને 15 મિનિટ પર શ્રદ્ધાળુઓ માટે બાબા બદ્રીનાથના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. કપાટ ખુલતા પહેલા બદ્રીનાથ મંદિરને ફુલો અને લાઈટોથી સજાવવામાં આવ્યુ હતુ.. બદ્રીનાથના કપાટ ખુલતા સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. બદ્રીનાથ ધામના ખોલવા માટે આદિ શંકરાચાર્યની ગાદી અને ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીની મૂર્તિ તેલ કળશ યાત્રા સાથે જોશીમઠના નૃસિંહ મંદિરથી પોતાના માર્ગ યોગ ધ્યાન બદ્રી મંદિર પાંડુકેશ્વર પહોંચાડી દેવામાં આવી હતી. બદ્રીનાથના કપાટ ખુલતાની સાથે જ હવે શ્રદ્ધાળુઓ ચારેય ધામ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી શકશે.

રાજ્ય સરકારે પણ ચારેય ધામ માટે દૈનિક શ્રદ્ધાળુઓની સંખ્યા પણ નક્કી કરી છે. કેદારનાથમાં દરરોજ 12 હજાર અને બદ્રીનાથમાં દરરોજ 15 હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશે. એટલુ જ નહીં દર્શન માટે પર્યટન વિભાગની વેબસાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત કરાયું છે.

આ ધામ દર વર્ષે છ મહિના માટે ખુલ્લું રહે છે. ચારધામ યાત્રા 3 મેના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસર પર ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ હતી. રવિવારે સવારે બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો સાથે ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની ધૂન સાથે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. બીજી તરફ ચારધામ યાત્રા દરમિયાન આ વર્ષે દર્શન માટે ભક્તોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે બદ્રીનાથ ધામમાં માત્ર 15 હજાર, કેદારનાથમાં 12 હજાર, ગંગોત્રીમાં 7 હજાર અને યમુનોત્રીમાં 4 હજાર શ્રદ્ધાળુઓને જ દૈનિક દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.

Next Story