મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં આમને-સામને થઈ શકે છે ભાજપ અને અજિત પવાર

મહારાષ્ટ્રમાં બીએમસી અને સ્થાનિક નગર નિગમની ચૂંટણી પહેલાં જ મહાયુતિમાં તિરાડ પડી છે. મહાયુતિમાં ખેંચતાણ વચ્ચે અજિત પવાર એકલા ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે

New Update
NDA

મહારાષ્ટ્રમાં બીએમસી અને સ્થાનિક નગર નિગમની ચૂંટણી પહેલાં જ મહાયુતિમાં તિરાડ પડી છે. મહાયુતિમાં ખેંચતાણ વચ્ચે અજિત પવાર એકલા ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીની તાજેતરની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન ભાજપના ઘણા નેતાઓએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સામે ફરિયાદો કર્યા બાદ અજિત પવારની પાર્ટી એનસીપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલા હાથે લડવાની અટકળો વહેતી થઈ છે. 

ભાજપના નેતાઓએ ગૃહમંત્રી સમક્ષ અજિત પવાર પર 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરનારા ઉમેદવારોને ટેકો આપવાનો આરોપ મૂક્યો હતો. જેના કારણે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ મહાયુતિમાં તિરાડો પડી છે.

બંને પક્ષ વચ્ચે પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં ખેંચતાણ જોવા મળી છે. જ્યાં ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી બંને મજબૂત પ્રભાવ ધરાવે છે.

પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપે 28 અને એનસીપીએ 15 બેઠક જીતી હતી. જ્યારે મરાઠાવાડામાં કુલ 52 બેઠકમાંથી ભાજપે 19 બેઠક અને એનસીપીએ 8 બેઠક જીતી હતી. 

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં સરકાર ચલાવી રહેલા ભાજપ અને એનસીપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે બેઠકો ગુમાવવાનો ભય વધ્યો છે. પવારની પાર્ટી ભાજપના વર્ચસ્વ હેઠળની બેઠકો હાંસલ કરવા માગતી હોવાની આશંકા ભાજપના નેતાઓ વ્યક્ત કરી છે.

પુણે, સાંગલી, પીંપરી, ચિંચવાડ, પર્ભાણી, જાલના અને બીડ સહિતની નગર પાલિકામાં મહાયુતિની એકતા પર સવાલો ઉઠ્યા છે. કારણ કે ભાજપ પોતાના મતદાર આધારને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ જિલ્લાઓમાં પ્રભુત્વ મેળવવા માટે એકલા ઉતરે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદ પવાર)એ આ અંગે જણાવ્યું હતું કે, ભાજપ અને અજિત પવારની એનસીપી વચ્ચેની તિરાડો આગામી ચૂંટણીમાં મહાયુતિની યોજનાઓ પર પાણી ફેરવી શકે છે.

શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય સચિન આહિરે જણાવ્યું કે, અજિત પવારથી માત્ર ભાજપના ધારાસભ્યો જ નહીં, પણ આખી કેબિનેટ ત્રાસી ગઈ છે. તેઓ ફંડની અછતનો સામનો કરી રહ્યા છે. તેમના પ્રોજેક્ટ અટકી ગયા છે. ઘણા વર્ષોના વિરોધ બાદ બંને પક્ષ એકબીજા સાથે કામ કરવા મજબૂર બન્યા છે.

એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપ જાણીજોઈને પોતે અજિત પવારથી નારાજ હોવાનો દેખાવ કરી રહ્યું છે. કદાચ ભાજપના નેતાઓ ઇચ્છે છે કે તેમની આ નારાજગી જાહેર થાય જેથી તણાવ વધે અને તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી શકે. 

ઉલ્લેખનીય છે, ભાજપ મુંબઈના પ્રમુખ આશિષ શેલારે અજિત પવારની એનસીપી સાથે કોઈ પણ પ્રકારના અણબનાવની ફરિયાદોને ફગાવી દીધી અને કહ્યું કે તેમની પાસે આવી કોઈ માહિતી નથી.

એનસીપી (અજિત પવાર)ના સાંસસદ સુનિલ તટકરે પણ મહાયુતિ ગઠબંધન વચ્ચે સંપ અને એકતા હોવાનું જણાવતાં કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે સહિત રાજ્યના ત્રણેય નેતાઓ વચ્ચે સંપૂર્ણપણે સહકાર અને સંપ છે. તેમની વચ્ચે કોઈ મતભેદ નથી.

Read the Next Article

ઉત્તરાખંડમાં વરસાદ તબાહી મચાવી, બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, 3-4 દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે.

New Update
UTTRAKHAND LANDSLIDE

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે. ડાઇવિંગ કર્યા પછી પણ કાદવવાળા પાણીમાં કંઈ દેખાતું નથી. આવી સ્થિતિમાં, ગુમ થયેલા આઠ લોકો અને બસને શોધવાનું મુશ્કેલ છે. દરમિયાન, ચમોલી પોલીસે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની માહિતી આપી છે. નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાઇવે ખોલવાનું કામ ચાલી રહ્યું છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડિરેક્ટર, વિક્રમ સિંહે માહિતી આપી કે ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. નૈનિતાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂન, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂસ્ખલનનો પણ ભય છે. આવી સ્થિતિમાં, ચારધામ યાત્રાળુઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વખતે ચોમાસું સામાન્ય સમય કરતા 21 જૂને ઉત્તરાખંડ પહોંચ્યું હતું. કુમાઉ થઈને રાજ્યમાં પ્રવેશ કરનાર ચોમાસું હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયું છે. હરિદ્વારના કેટલાક વિસ્તારોને બાદ કરતાં, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે 10 થી 15 ટકા વધુ વરસાદ પડી શકે છે.