Connect Gujarat
દેશ

"પ્રશાસન ગાંવ કી ઓર" : દેશમાં આજથી સુશાસન સપ્તાહ અભિયાનની શરૂઆત...

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'અમૃત મહોત્સવ' ઉજવવામાં આવી રહ્યો છે

પ્રશાસન ગાંવ કી ઓર : દેશમાં આજથી સુશાસન સપ્તાહ અભિયાનની શરૂઆત...
X

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'અમૃત મહોત્સવ' ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે દેશભરમાં વર્ષોથી પેન્ડિંગ પડેલી જન ફરિયાદોના સમાધાન અને સુનાવણી માટે કેન્દ્ર સરકાર આજથી દેશવ્યાપી સુશાસન સપ્તાહ અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આ કેમ્પેઈનનો મુખ્ય ઉદ્દેશ દેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં વહીવટી તંત્રની પહોંચ વધારવાનો છે. આ કેમ્પેઈનને 'પ્રશાસન ગાંવ કી ઓર' નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કર્મચારી મંત્રી જિતેન્દ્રસિંહ આ કેમ્પેઈન લોન્ચ કરશે.

'ગુડ ગવર્નન્સ વીક'ના માધ્યમથી કેન્દ્ર સરકાર દેશભરમાં પેન્ડિંગ જન ફરિયાદો અને સમસ્યાઓની સુનાવણી કરીને તેનું નિરાકરણ લાવશે. વિવિધ રાજ્યોના સિટીઝન ચાર્ટર મુજબ દેશમાં આવી 10 લાખ ફરિયાદો લંબિત પડી છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે, આ કાર્યક્રમ સંપૂર્ણપણે નાગરિકો પર કેન્દ્રિત હશે. તમામ રાજ્યોએ આ અભિયાનમાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવી છે. દરેક જિલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ યોજવામાં આવશે અને તેમાં જિલ્લા કલેક્ટર પણ સામેલ થશે. કેન્દ્ર સરકારે વોટ્સએપ ગ્રુપ બનાવીને આ પ્રોગ્રામ સાથે સંબંધિત માર્ગદર્શિકા રાજ્યો સાથે શેર કરી છે.

આ સમગ્ર કાર્યક્રમ પર એક સેન્ટ્રલ પોર્ટલ દ્વારા નજર રાખવામાં આવશે. જિલ્લા કલેક્ટર તાલુકા સ્તરો પર સુધી પહોંચીને આ કાર્યક્રમની દેખરેખ રાખશે અને વહીવટી તંત્રના લોકો ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચે તેની ખાતરી કરશે. આ 6 દિવસીય સુશાસન સપ્તાહ કેમ્પેઈનને લઈને કેન્દ્ર સરકારે 5 મુખ્ય મુદ્દા નક્કી કર્યા છે. તો હરિયાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર જેવા કેટલાક રાજ્યોએ આ કેમ્પેઈનમાં અન્ય કેટલીક સેવાઓનો પણ સમાવેશ કર્યો છે. 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર આ અભિયાન સમાપ્ત થશે અને સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજરી આપશે.

Next Story