Connect Gujarat
દેશ

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ વધારો; મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.11 રૂપિયા પ્રતિ લિટર

ક્રૂડ ઓઇલના વધતા ભાવને પગલે બુધવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ વધારો; મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.11 રૂપિયા પ્રતિ લિટર
X

ક્રૂડ ઓઇલના વધતા ભાવને પગલે બુધવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી, પરંતુ બુધવારે સરકારી ઓઇલ કંપનીઓએ ભાવમાં ફરીથી વધારો કર્યો છે. નવા વધારાની સાથે જ પેટ્રોલ-ડીઝલની કિંમત સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલની કિંમત 106.19 રૂપિયા અને ડીઝલની કિંમત 94.92 રૂપિયા પર પહોંચી છે.

પેટ્રોલ હાલ ATF (aviation turbine fuel) એટલે કે વિમાન માટે વપરાતા ઇંધણની સરખામણીમાં 34% મોંઘું થયું છે. દિલ્હીમાં ATFની કિંમત 79,020.16 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 112.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 102.89 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 103 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 103.31 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. દેશમાં ચાર મહાનગરમાંથી પેટ્રોલ-ડીઝલની સૌથી વધારે કિંમત મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ અલગ અલગ હોય છે. તેનું કારણ દરેક રાજ્યનો VATનો દર અલગ અલગ હોવાનું છે.

પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમત પાછળ ટેક્સનો મોટો હાથ છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ વસૂલ કરે છે. આ ઉપરાંત ફ્રેટ, ડીલર ચાર્જ અને ડીલર કમિશન પણ સામેલ છે. આ તમામ વસ્તુઓને જોડ્યા બાદ પેટ્રોલની વેચાણ કિંમત બને છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી આખા દેશમાં સમાન છે. પરંતુ દરેક રાજ્ય તેના પર અલગ અલગ VAT લગાવે છે. આ કારણે જ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અલગ અલગ હોય છે. દેશમાં સૌથી વધારે મોંઘું પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનમાં મળે છે.

Next Story