Connect Gujarat
દેશ

Independence Day: PM મોદીએ કહ્યું- દીકરીઓને મળશે સૈનિક સ્કૂલોમાં એડમિશન; દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે

Independence Day celebrations 2021

Independence Day: PM મોદીએ કહ્યું- દીકરીઓને મળશે સૈનિક સ્કૂલોમાં એડમિશન; દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે
X

દેશવાશીઓ આજે 15મી ઓગસ્ટ ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજવંદન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી વખત લાલ કિલ્લા ઉપરથી દેશજોગ સંબોધન કર્યું. આજે આખો દેશ આઝાદીના જશ્નમાં ડૂબેલો છે ત્યારે ઉજવણીમાં કોઈ ખલેલ ન પડે તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. દેશમાં પહેલીવાર આઝાદીની ઉજવણી પ્રસંગે ભારતીય વાયુ સેનાના બે એમઆઇ-17 1વી હેલિકોપ્ટરે સમારોહ સ્થળની ઉપરથી પુષ્પ વર્ષા કરી. PM મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો. લાલ કિલ્લા ખાતે પ્રધાનમંત્રી મોદીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું.

લાલ કિલ્લા ઉપર લોખંડી સુરક્ષા કરવામાં આવી હતી. લાલ કિલ્લાની ચારે તરફ 9 એન્ટ્રી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે. ફેસ રિકોગ્નિશનવાળા 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી દરેક ચહેરાની માહિતી રાખી શકાય. લાલ કિલ્લાના મુખ્ય દ્વારની બહાર મોટા-મોટા કન્ટેનરર લગાવવામાં આવ્યા છે, તેનાથી લાલ કિલ્લાને સામેથી જોઈ શકાશે નહીં. આશરે 15થી 20 કન્ટેનરોનો ઉપયોગ કરવામાં આવ્યા છે. માત્ર લાલ કિલ્લાની સુરક્ષામાં 5 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.


લાલ કિલ્લા પર વડાપ્રધાને દેશના તમામ મહાપુરૂષોને યાદ કરતાં પોતાનું સંબોધન શરૂ કર્યું. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા ખાતે ઉપસ્થિત ઓલમ્પિક ખેલાડીઓ માટે તાળીઓ વગાડીને સન્માન કર્યું. ભાગલાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તે દુઃખ હંમેશા પીડા આપે છે.

PM મોદીએ કોરોના સંકટનો ઉલ્લેખ કર્યો. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, વિચારો જો ભારતની પાસે પોતાની વેક્સીન ન હોત તો શું થાત, પોલિયોની વેક્સીન ભારતને મળવામાં કેટલો સમય લાગ્યો હતો. પરંતુ આજે આપણને ગર્વ છે કે સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. 54 કરોડથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. કોવિન જેવી ઓનલાઇન વ્યવસ્થા, ડિજિટલ સર્ટીફિકેટની વ્યવસ્થાએ સૌને આકર્ષીત કર્યા. ભારતમાં જે રીતે 80 કરોડ લોકોને મફત અનાજ આપીને ગરીબનો ચૂલો ચાલતો રહ્યો, તે ઘણી મોટી વાત છે.

અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ ગૌરવ કાળ તરફ લઈ જશે. મોદીએ કહ્યુ, અમૃતકાળ 25 વર્ષનો છે. પરંતુ આટલો લાંબો ઈંતજાર નથી કરવાનો. અત્યારથી લાગી પડવાનું છે. આ જ સમય છે. યોગ્ય સમય છે. આપણે પોતાની જાતને બદલવાની છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છે.

પહેલા સરકારે 100 ટકા ઘરોમાં શૌચાલયોના નિર્માણનું લક્ષ્ય રાખ્યું હતું. આગામી લક્ષ્યોને થોડાક જ વર્ષોમાં પૂરા કરવાના છે. હવે હર ઘર જલ મિશન માટે ઝડપથી કામ થઈ રહ્યું છે. માત્ર બે વર્ષમાં સાડા ચાર કરોડથી વધુ પરિવારોને નળથી પાણી મળવાનું શરૂ તઈ ચૂક્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, ગરીબોને પોષણયુક્ત ચોખા પૂરા પાડવામાં આવશે. રાશનની દુકાન કે ક્યાંય પણ 2024 સધીમાં દરેક યોજના હેઠળ મળનારા ચોખા પોષણયુક્ત (ફોર્ટિફાઇ) થશે.

આપણા પૂર્વ ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મુ-કાશ્મીર, લદાખ સહિત સમગ્ર હિમાલયના ક્ષેત્રને, આપણા કોસ્ટલ બેલ્ટ કે પછી આદિવાસી વિસ્તારો હોય, તે ભવિષ્યમાં ભારતના વિકાસનો મોટો આધાર બનશે. આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવીટીનો નવો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે. આ કનેક્ટીવિટી દિલોનું પણ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ છે. ખૂબ ઝડપતી નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોના પાટનગરોને રેલસેવા સાથે જોડવાનું કામ પૂરું થવાનું છે.

જમ્મુ-કાશ્મીર અંગે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, તમામના સામર્થ્ય ને યોગ્ય અવસર આપવો, તે લોકતંત્રની અસલી ભાવના છે. જમ્મુ હોય કે કાશ્મીર. વિકાસનું સંતુલન હવે જમીન પર જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ડી-લિમિટેશન કમીશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયારી ચાલી રહી છે. લદાખ પણ પોતાની અસલી સંભાવનાઓની તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદાખ, આધુનિક ઇન્ફ્રાસ્ટક્ચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવા જઈ રહી છે.

નાના ખેડૂતો પર અત્યાર સુધી ધ્યાન નથી આપવામાં આવ્યું. કૃષિ સેક્ટરના પડકારો પર ધ્યાન આપવું પડશે. ખેડૂતોની જમીન સતત નાની થઈ રહી છે. 80 ટકા ખેડૂતોની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. વડાપ્રધાન મોદીએ 80 ટકા ખેડૂતોના ઉત્થાનનો નારો આપતા કહ્યું, 'નાના ખેડૂતો બને દેશની શાન'.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગામમાં જે આપણી સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી 8 કરોડથી વધુ બહેનો છે, તેઓ એક-એકથી ચડીયાતી પ્રોડક્ટ્સ બનાવે છે. આ પ્રોડક્ટ્સને દેશમાં અને વિદેશમાં મોટું બજાર મળે, તેના માટે હવે સરકાર ઇ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના લોકોને આગામી પેઢી માટે માળખાકિય સુવિધા, વિશ્વસ્તરીય નિર્માણ, અત્યાધુનિક નવાચાર, નવા જમાનાની ટેકનીક માટે કામ કરવું પડશે.

PM મોદીએ કહ્યું કે, ભારત આજે પોતાના ફાઇટર પ્લેન બનાવી રહ્યું છે. સબમરીન બનાવી રહ્યું છે. ગગનયાન પણ બનાવી રહ્યું છે. વિકાસના પથ પર આગળ વધતાં ભારતે પોતાની મેનૂફેક્ચરિંગ અને એક્સપોર્ટ, બંનેને વધારવા પડશે. તમે જોયું છે. થોડા દિવસ પહેલા પણ ભારતે પોતાના પહેલી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતારી છે.

ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાની જરૂર છે. ભારત આવનારા થોડા સમયમાં જ પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને લોન્ચ કરવા જઈ રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદે માતરમ ટ્રેનો દેશના દરેક ખૂણાને પરસ્પર જોડવા જઇ રહી હશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ઉડાન યોજના છેવાડાના વિસ્તારોને જોડી રહી છે, જે પણ અભૂતપૂર્વ છે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, મને અનેક ભલામણો મળી હતી કે દીકરીઓને પણ સૈનિક સ્કૂલમાં ભણાવવી જોઈએ. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પ્રયોગ તરીકે દીકરીઓને એડમિશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશની તમામ સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ એડમિશન થઈ શકશે. તેને દીકરીઓ માટે ખોલી દેવામાં આવશે.

આર્ટિકલ 370 હટાવવું, જીએસટી લાગુ કરવો, ફૌજીઓ માટે વન પેન્શન, અયોધ્યા વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ, દેશે આ બધું થોડાક સમયમાં જોયું છે. ઓબીસી કમીશનને બંધારણીય દરજ્જો, જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર BDC ચૂંટણી ભારતની સંકલ્પ શક્તિને દર્શાવે છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવ્યું છે. સર્જિકલ, એર સ્ટ્રાઇકમાં દુશ્મનોને નવા ભારતનો સંદેશ આપ્યો, એ દર્શાવે છે કે ભારત બદલાઈ રહ્યું છે, ભારત કઠિનથી કઠિન નિર્ણય પણ લઈ શકે છે. ભારત ખચકાતું નથી.

પીએમ મોદીએ કહ્યું- 21મી સદીમાં ભારતના સપના અને આકાંક્ષાઓ પૂર્ણ થતા કોઈ અવરોધ રોકી શકે નહીં. આપણી તાકાત આપણી જીવનશક્તિ છે, આપણી તાકાત આપણી એકતા છે. આપણું જીવન બળ, રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમની ભાવના છે. આ સમય છે, આ યોગ્ય સમય છે, આ ભારતનો કિંમતી સમય છે. એવું કશું નથી જે કરી શકાય નહીં, કશું જે પ્રાપ્ત કરી શકાતું નથી, તમે ઉઠો, તમે સામેલ થાઓ, તમારી ક્ષમતાને ઓળખો, તમારી પ્રત્યેની ફરજ જાણો, આ ભારતનો અમૂલ્ય સમય છે, આ સમય છે, આ યોગ્ય સમય છે .


Next Story