ગુજરાતમાં મહિલા વકીલોનું પ્રમાણ ૨૫.૬૯ ટકા આવ્યું છે તો સમગ્ર દેશમાં સૌથી વધુ મહિલા વકીલો ધરાવતા રાજ્યોમાં મેઘાલય, મણીપુર, મહારાષ્ટ્ર-ગોવા, કેરળ બાદ ગુજરાત ચોથા સ્થાને છે.લોકસભામાં પ્રશ્નોતરીમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર જુલાઇ ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં કુલ વકીલો ૧.૦૩ લાખ હતા. જેમાંથી પુરુષ વકીલો ૭૭૪૨૨ અને મહિલા વકીલો ૨૬૫૬૮ હોવાનું સામે આવ્યું છે. આમ, ગુજરાતમાં પ્રત્યેક ૧૦૦માંથી સરેરાશ ૨૬ મહિલા વકીલ છે.
મેઘાલયમાં કુલ ૮૨૧ સામે ૪૮૭ મહિલા વકીલો છે. આમ, ૫૯.૩૧ ટકા સાથે સૌથી વધુ મહિલા વકીલ ધરાવતા રાજ્યોમાં મેઘાલય મોખરે છે બીજા રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર, કેરળમાં મહિલા વકીલો નું પ્રમાણ ગુજરાત કરતાં વધારે છે. મહારાષ્ટ્રમાં ૩૫ ટકા જ્યારે કેરળમાં ૨૮ ટકા મહિલો વકીલો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં મહિલા વકીલોનું પ્રમાણ માત્ર ૮.૭૫ ટકા છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૪ લાખ વકીલો સામે મહિલા વકીલ ૩૫૦૨૨ છે. પશ્ચિમ બંગાળ (૨૦.૭૫%), તામિલનાડુ (૧૩.૭૪%), પંજાબ (૧૫.૬૯%),મધ્ય પ્રદેશ (૧૬%)ગુજરાત કરતાં ઓછા મહિલા વકીલ ધરાવે છે. સમગ્ર દેશમાં કુલ ૧૮.૫૭ લાખ વકીલ સામે મહિલા વકીલો ૨.૮૪ લાખ છે. આમ, મહિલા વકીલોનું પ્રમાણ માત્ર ૧૫.૩૧ ટકા છે.