Connect Gujarat
દેશ

ગુજરાતનું ગૌરવ : કઝાકિસ્તાન-પેરૂમાં દસાડાનો શૂટર વર્લ્ડ ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાતનું ગૌરવ : કઝાકિસ્તાન-પેરૂમાં દસાડાનો શૂટર વર્લ્ડ ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
X

હાલમાં ચાલી રહેલી ટોકિયો ઓલિમ્પિક્સમાં હોકી અને બેડમિન્ટન સહિતની રમતોમાં ભારતનું પ્રદર્શન સારૂ રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના 16 વર્ષના શૂટરની માતાનું 2 મહિના અગાઉ જ કોરોનાના લીધે મૃત્યુ નિપજ્યું હતુ. છતા એણે હિંમત હાર્યા વગર કે, નાસીપાસ થયા વગર ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં ભારતની ટીમમાં સ્થાન મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યુ છે. આ યુવાન આ ઓગષ્ઠ મહિનામાં અલમેટી કઝાકિસ્તાનમાં શોટગન વર્લ્ડ કપમાં અને સપ્ટેમ્બરમાં લીમા પેરૂમાં શોટગન વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ભારત વતી રમવાની સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરી ઇતિહાસ રચવા જઈ રહ્યો છે.

ગુજરાતના ખુણેખૂણાના ગામડાઓમાં અનેક પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે. ત્યારે મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા ખાતે રહેતા મુજાહિદખાન મલીકનો 16 વર્ષનો પુત્ર બખ્તિયારૂદિન મલીક અમદાવાદની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરવાની સાથે અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા અને ઓલિમ્પિયન અને વર્લ્ડ ચેમ્પીયન માનવજીતસિંઘ સંધુના કોંચીગ હેઠળ એણે માત્ર 12 વર્ષની વયે ભારતના સૌથી નાની વયે રીનાઉન્ડ શૂટર બની ઇતિહાસ રચ્યો હતો. બખ્તિયારૂદિન એ સિવાય બે વખત ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં બે વખત સ્ટેટ ચેમ્પીયન અને એક વખત ખેલ મહાકૂંભ ચેમ્પીયન રહી ચૂક્યો છે, ત્યારે ગત તા. 26મી એપ્રિલે બખ્તિયારૂદિનની વ્હાલસોયી માતા નૂશરત મલિકનું કોરોનાના લીધે અકાળે મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. પોતાની મમ્મીની ખૂબ નજીક રહેલા દ્રઢ મનોબળના ધની એવા બખ્તિયારૂદિને હિંમત હાર્યા વગર અને નાસીપાસ થયા વગર પોતાના પિતા મુજાહિદખાન મલિક અને બહેન શાદીયા મલિકને પણ હિંમત આપીને ટ્રેપ શૂટિંગમાં રાત-દિવસની અથાગ મહેનત બાદ બખ્તિયારૂદિનનો ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ટીમમાં સમાવેશ થયો હતો. દસાડાનો 16 વર્ષીય બખ્તિયારૂદિન મલીક આ ઓગષ્ઠ મહિનામાં અલમેટી કઝાકિસ્તાનમાં શોટગન વર્લ્ડ કપમાં અને સપ્ટેમ્બરમાં લીમા પેરૂમાં શોટગન વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ભારત વતી રમવાની સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરી ઇતિહાસ રચશે. સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર દસાડાના બખ્તિયારૂદિનનો જ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ટીમમાં સમાવેશ થયો છે. 16 વર્ષના યુવાન બખ્તિયારૂદિને ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ટીમમાં સમાવેશ મેળવી ગ્રામ્ય પથંકના ખેલાડીઓને અનોખો રાહ ચિંધ્યો છે, ત્યારે હવે ભારતનું નામ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય ફલક સુધી ગુંજતુ કરવાની ઇચ્છા જ નહીં પણ તેની જીદ બની છે.

Next Story