21 ઓગસ્ટે કેવડાત્રીજ, જાણો આ વ્રતનું મહત્વ

New Update
21 ઓગસ્ટે કેવડાત્રીજ, જાણો આ વ્રતનું મહત્વ

આ વ્રત ભાદરવા મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં ખાસ કરવામાં આવે છે. આ વ્રતની કથા પ્રમાણે દેવી પાર્વતીએ ભગવાન શિવજીને મેળવવા માટે પોતાની સખીઓ સાથે આ વ્રત કર્યું હતું. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે.

સાથે જ, કુંવારી કન્યાઓ પણ સારો પતિ મેળવવા માટે આ વ્રત કરે છે. આ વ્રતમાં આખો દિવસ પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે અને કાળી માટીથી શ્રીગણેશ અને ભગવાન શિવ-પાર્વતીની મૂર્તિઓ બનાવીને તેની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ આખી રાત જાગરણ કરીને ચારેય પ્રહરની પૂજા કરવામાં આવે છે.

કેવડા ત્રીજનું વ્રત કઈ રીતે કરવું :-

કેવડા ત્રીજના દિવસે માતા પાર્વતી અને ભગવાન શંકરની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.
ભગવાન શિવ-પાર્વતીની પૂજા પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. સૂર્યાસ્ત પછીના મુહૂર્તને પ્રદોષકાળ કહેવામાં આવે છે.

પૂજા માટે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશજીની કાળી માટીની પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. પૂજા સ્થળને ફૂલોથી સજાવો અને એક બાજોટ રાખો. તે બાજોટ ઉપર કેળાના પાન રાખીને ભગવાન શંકર, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરો.
ત્યાર બાદ દેવતાઓનું આહવાન કરીને ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશનું પૂજન કરો. પરણિતાની બધી જ વસ્તુ રાખીને માતા પાર્વતીને ચઢાવવી આ વ્રતની મુખ્ય પરંપરા છે. તેમાં શિવજીને ધોતી ચઢાવવામાં આવે છે.

આ વ્રત પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છેઃ-

કેવડા ત્રીજમાં પાણી પીવાનું હોતું નથી. વ્રત પછી બીજા દિવસે જળ ગ્રહણ કરવાનું વિધાન છે, કેવડા ત્રીજ વ્રત શરૂ કર્યા પછી તેને છોડવામાં આવતું નથી. દરેક વર્ષ વિધિ-વિધાનથી આ વ્રત કરવું જોઇએ, અને ૫ કે ૭ વર્ષ રહીને ઉજવી પણ સકાય છે. કેવડા ત્રીજ વ્રતના દિવસે રાતે જાગરણ કરવામાં આવે છે. આ વ્રતને કુંવારી કન્યા, સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે.

કેવડા ત્રીજમાં દેવી પાર્વતીની પૂજામાં સુહાગની સામગ્રી અને જંગલના ઝાડના પાંદડા ચઢાવવામાં આવે છે. જેમાં મહેંદી, બંગડી, કાજળ, ચાંદલા, કંકુ, સિંદૂર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય શ્રીફળ, કળશ, અબીર, ચંદન, ઘી-તેલ, કપૂર, કંકુ અને દીવો હોય છે.

આ વ્રત પાછળ એક કથા રહેલી છે. કેવડા ત્રીજ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીના ફરી મિલનની યાદમાં ઉજવવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું. હિમાલય ઉપર ગંગા નદીના કિનારે માતા પાર્વતીએ ભૂખ્યા-તરસ્યા રહીને તપસ્યા કરી હતી. માતા પાર્વતીની આ સ્થિતિ જોઇને તેમના પિતા હિમાલય દુઃખી હતાં.

એક દિવસ મહર્ષિ નારદ ભગવાન વિષ્ણુ તરફથી પાર્વતીજીના લગ્નનો પ્રસ્તાવ લઇને આવ્યાં પરંતુ જ્યારે પાર્વતીને આ વાતની જાણ થઇ ત્યારે તે વિલાપ કરવા લાગ્યાં. એક સખીને તેમણે જણાવ્યું કે, તેઓ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરી રહી છે. ત્યાર બાદ સખીની સલાહથી માતા પાર્વતી વનમાં જતાં રહ્યા અને ભગવાન શિવની આરાધનામાં લીન થઇ ગયાં.

આ દરમિયાન ભાદરવા મહિનાના સુદ પક્ષની તીજના દિવસે માતા પાર્વતીએ રેતીથી શિવલિંગનું નિર્માણ કર્યું અને ભોળાનાથની આરાધના કરી. માતા પાર્વતીના કઠોર તપને જોઇને ભગવાન શિવે તેમને દર્શન આપ્યાં અને પાર્વતીજીની ઇચ્છા પ્રમાણે તેમની પત્ની તરીકે સ્વીકાર કર્યો. ભગવાન શંકરને કેવડો ચડતો નથી પણ પાર્વતીજીએ તે દિવસે કેવડો ચડાવિયોતો ત્યારથી આ કેવડાત્રીજના દિવસે કેવડો ચડાવવામાં આવે છે.