Connect Gujarat
ગુજરાત

મોડાસાના નાંદીસણ ગામે મોડી રાત્રે એક મકાનમાં તસ્કરોએ કર્યા હાથ સાફ

મોડાસાના નાંદીસણ ગામે મોડી રાત્રે એક મકાનમાં તસ્કરોએ કર્યા હાથ સાફ
X

અરવલ્લી જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ થી રાહત મેળવવા પ્રજાજનો ધાબા પર અને ઘરની બહાર ઊંઘવા મજબુર બન્યા છે. મોડાસા તાલુકાના નાંદીસણ ગામે સગર પરિવાર ગુરુવારે રાત્રીના સુમારે ગરમીથી રાહત મેળવવા ધાબે મીઠી નીંદર માણી રહ્યો હતો અને તસ્કરોએ ઘરમાં ત્રાટકી હાથફેરો કરી 1.25 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી રફુચક્કર થતા પરોઢિયે પરિવારને જાણ થતા આભ તૂટી પડ્યું હતું. આ લૂંટની ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી.

મોડાસા તાલુકાના નાંદીસણ ગામે નરેશ કુમાર કનુભાઈ સગર ગુરુવારે રાત્રીએ વાળું કરી પરિવાર સાથે ઘરના ધાબા પર સુઈ ગયો હતો રાત્રીના સુમારે તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસી તિજોરી અને કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત અંદાજે 1.25 લાખથી વધુની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા.

વહેલી સવારે ઊંઘ ઉડતા અને ઘરમાં દ્રશ્ય જોતા જ ચોરી થયાની જાણ થતા પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું. લૂંટની ઘટનાને પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. લૂંટની ઘટના ઘટતા મોડાસા રૂરલ પોલીસ નાંદીસણ ગામે દોડી આવી તપાસ હાથધરી હતી. મોડાસા ગ્રામ્ય વિસ્તાર વિસ્તારમાં તસ્કરો સક્રિય થતા અને રૂરલ પોલીસની નિષ્ક્રિયતા થી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

Next Story