Connect Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં તીડોના આક્રમણે “સરકાર”ને કરી દોડતી, મંત્રીઓ પહોંચ્યાં ખેતરોમાં

ઉત્તર ગુજરાતમાં તીડોના આક્રમણે “સરકાર”ને કરી દોડતી, મંત્રીઓ પહોંચ્યાં ખેતરોમાં
X

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હાલ તીડનો ઉપદ્રવ જોવા મળી રહયો છે. તીડની સમસ્યાને વકરતી જોઇને રાજય સરકારના મંત્રીઓ અને ભાજપના હોદેદારો તેમની એસી કેબીનો છોડી ખેતરોમાં તીડ ભગાડતાં જોવા મળી રહયાં છે.

પાકિસ્તાનથી આવેલાં તીડોના ઝુંડ હાલ બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં હાહાકાર મચાવી રહયાં છે. તીડોને ભગાડવા લોકોને રાતના ઉજાગરા કરવા પડી રહયાં છે તેમજ થાળી અને ઢોલ- નગારા વગાડવા પડી રહયાં છે. તીડો ખેડૂતો માટે મોટી સમસ્યા બન્યાં હોવાથી રાજય સરકાર અને ભાજપનું પ્રદેશ સંગઠન દોડતું થઇ ગયું છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં છેલ્લા 25 દિવસથી તીડોનું આક્રમણ જોવા મળી રહયું છે. રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુ ખુદ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, તીડોને દુર કરવા અલગ અલગ ટીમ બનાવી જંતુનાશક દવાનો છંટકાવ કરાઇ રહયો છે.

બીજી તરફ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ખેડૂતોને નુકશાનીનું વળતર આપવાની જાહેરાત કરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ પ્રસંગે પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવેલા તીડના ઝૂંડથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તીડનો નાશ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમ સતત કામે લાગી છે.આ સાથે જ જે ખેડૂતોને તીડથી નુકસાન પહોંચ્યું છે તેનો સર્વે કરીને તેમને રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે.

મોડાસા આવેલાં નિતિન પટેલે રાજયમાં બંધ થયેલી ચેકપોસ્ટ બાબતે પણ નિવેદન આપ્યું હતું. તેમણે ચેકપોસ્ટ પર ગેરરિતીઓ સામે આવતાં આ પગલું ભર્યું હોવાની કબુલાત કરી હતી. આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભારે ગેરરીતિ આચરવામાં આવતી હોવાથી જેથી સરકારી તિજોરીને નુકસાન પહોંચતું હતું, જેથી સરકારે પ્રાયોગિક ધોરણે હાલ પોલીસ ચેકપોસ્ટ દૂર કરવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું.

Next Story
Share it