Connect Gujarat
ગુજરાત

રાજકોટ: મગફળી કૌભાંડમાં વધુ 5 ઝડપાયા, આરોપીઓના ઘરેથી દસ્તાવેજો કબ્જે કરાયા

રાજકોટ: મગફળી કૌભાંડમાં વધુ 5 ઝડપાયા, આરોપીઓના ઘરેથી દસ્તાવેજો કબ્જે કરાયા
X

ઓડિયોક્લિપ વાઈરલ થયા બાદ જેનું નામ ખુલ્યું તે મગનના સાથીદાર માનસિંગ સહિત વધુ પાંચની ધરપકડ કરી છે

મગફળી કૌભાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર ગુજકોટ કંપનીના વેરહાઉસ મેનેજર મગન ઝાલાવડિયાના તરઘડી ખાતે આવેલા મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે ઝાલાવડિયાના ઘરમાંથી 146 ગ્રામ સોનું, 5 હજારનું ચાંદી અને રૂ.32 હજાર રોકડા જપ્ત કર્યા હતા. તેમજ જીજ્ઞેશ અને રોહિતના ઘરમાંથી મહત્ત્વના દસ્તાવેજો પણ પોલીસે કબ્જે કર્યા હતા. આ ઉપરાંત ઓડિયોક્લિપ વાઈરલ થયા બાદ જેનું નામ ખુલ્યું તે મગનના સાથીદાર માનસિંગ સહિત વધુ પાંચની ધરપકડ કરી છે.

મગન ઝાલાવડિયાને સાથે રાખી DYSP ભરવાડ સહિતની ટીમ તરઘડી ખાતેના તેના ઘરે પહોંચી હતી. જ્યાં પાંચ કલાકથી વધુ સમય ચાલેલા દરોડામાં પોલીસે તેના ઘરમાંથી કેટલીક વસ્તુઅો જપ્ત કરી વધુ તપાસ આગળ ધપાવી હતી. બીજીબાજુ મગન અને લાઠોદરાના માનસિંગ પોપટ લાખાણી વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાઇરલ થતાં માનસિંગની સંડોવણી પણ કૌભાંડમાં સ્પષ્ટ થતાં પોલીસે માનસિંગની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગીગન મેરામ ચુડાસમા, દેવદાન માંગા જેઠવા, ધીરૂ કાળા જેઠવા, હમીર બાવા જેઠવાની પણ ધરપકડ કરી છે.

મોટી ધાણેજ સહકારી મંડળીએ ખરીદેલી મગફળીનો હિસાબ જેમાં રખાયો હતો તે કમ્પ્યૂટર અને દસ્તાવેજો આરોપીઓએ ગાયબ કરી દીધા છે. જેને લઈને પોલીસે રિમાન્ડ પર રહેલા ભૂતકોટડાના જીજ્ઞેશ ત્રિભોવન ઉજટિયા અને લખધીરગઢના રોહિત લક્ષ્મણ બોડાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. દરમિયાન આ બંનેના ઘરમાંથી મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. તેમજ ધૂળના ઢેફા મેળવી જે મગફળીની ચોરી કરવામાં આવી હતી., તેમાંથી 6700 ગુણી મગફળી કેશોદના મેસવાણાની ક્રાંતિ ઓઇલ મિલમાં વેચ્યાનું ખૂલતાં પોલીસે મિલમાં દરોડો પાડી દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

યાર્ડમાં સળગેલા બારદાન મગનના વતન નજીકથી મળ્યા, પોલીસ તપાસ શરૂ

ગુજકોટ વેર હાઉસના મેનેજર મગન ઝાલાવડિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એક પછી એક કૌભાંડમાં માગનની સંડોવણી બહાર આવી રહી છે. રાજકોટ યાર્ડમાં સળગેલા 17 કરોડથી વધુના બારદાનનો જથ્થો તેના વતન તરઘડી નજીકથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ જામનગર રોડ પર સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી હોટલ ખડકી હોવાનો આક્ષેપ પણ થતા જિલ્લા કલેકટરે તપાસના આદેશો આપ્યા છે.

રાજકોટના જૂના માર્કેટીગ યાર્ડના 17 કરોડથી વધુની કિંમતના બારદાનમાં આગ લાવવાની ઘટના બની હતી. સળગી ગયેલા બારદાનનો જથ્થો ગુજકોટ વેર હાઉસના મેનેજર મગન ઝાલાવડિયાના વતન તરધડી ખાતેથી મળી આવ્યો છે. જેને લઈને આ ઘટનામાં પણ મગનની સંડોવણી હોવાની શંકા જાગી છે. આ અંગે SP બલરામ મીણાએ જણાવ્યું હતું કે, હમણાં જ જાણવા મળ્યું છે કે, તરઘડી નજીકથી સળગેલા કોથળા મળ્યા છે. હવે આ કોથળા શેના છે ? અને જે જમીન પરથી આ બારદાન મળ્યા છે તે જમીન કોની છે ? તે અંગેની તપાસ ચાલી રહી છે જેમાં મગન શંકાના દાયરામાં હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Next Story