રાજકોટ : ભાદર ડેમ ઓવરફલો થતાં 8 દરવાજા ખોલવામાં આવ્યાં

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેર વરસાવી રહયાં છે ત્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ગણાતો ભાદર ડેમ ઓવરફલો થયો છે. ડેમના 8 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહયું છે.
ભાદર ડેમ સાઈટ ઉપર ધોધમાર વરસાદ પડતા ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમ એક સપ્તાહમાં બીજી વખત ઓવરફલો થયો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવી રહયું છે. ઉપરવાસમાંથી ડેમમાં 14 હજાર કયુસેકથી વધારે પાણીની આવક થઇ રહી છે. જેની સામે દરવાજા ખોલી 14 હજાર કયુસેક જેટલું પાણી છોડવામાં આવી રહયું છે. ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા જેતપુર પાસે આવેલ નદી ભાદર નદીના જળસ્તરમાં વધારો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના પગલા ભરવા તાકીદ કરાઇ છે. ભાાદર નદીના પાણી જેતપુરથી દેરડી ગામ તરફ જતાં માાર્ગ પર આવેલી ધાબી પરથી વહી રહયાં હોવાથી માર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.