Connect Gujarat
Featured

રાજકોટ : આ દવા પી લ્યો કોરોના નહિ થાય કહી પિતાએ પુત્ર અને પુત્રીને પીવડાવી ઝેરી દવા, લખી સ્યુસાઈડ નોટ

રાજકોટ : આ દવા પી લ્યો કોરોના નહિ થાય કહી પિતાએ પુત્ર અને પુત્રીને પીવડાવી ઝેરી દવા, લખી સ્યુસાઈડ નોટ
X

રાજકોટ શહેરમાં એક જ પરિવારના ત્રણ જેટલા સભ્યોએ ઝેરી દવા પી લીધાનો બનાવ સામે આવ્યો છે. ઝેરી દવા પીધા બાદ ગંભીર અસર થતાં પિતા પુત્ર અને પુત્રીને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના નાનામોવા રોડ પર શાસ્ત્રીનગર સામેના શિવમ પાર્ક શેરી નંબર 2 માં વિધાતા નામના મકાનમાં રહેતા કર્મકાંડ કરીને પોતાનું ગુજરાન ચલાવતા કમલેશભાઈ રામકૃષ્ણ ભાઈ લાબડીયાએ રાત્રિના સમયે પુત્ર અંકીત લાબડીયા અને પુત્રી કૃપાલી લાબડીયાને કોરોના ની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી હતી. તો પુત્ર અને પુત્રી પહેલા પોતે પણ ઝેરી દવા પીધી હતી. દવા પીધા બાદ પિતા પુત્ર અને પુત્રીને ઉલટી થતા પત્નીએ દવા પીવાનું ટાળ્યું હતું. ત્યારે ઝેરી દવા પીવાના કારણે ગંભીર અસર પહોંચતા સારવાર અર્થે પિતા પુત્ર અને પુત્રીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર બનાવની જાણ તાલુકા પોલીસને થતાં તાલુકા પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને કમલેશભાઈ લાબડીયાનું નિવેદન નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે કમલેશભાઈ લાબડીયા બેભાન હોય જે કારણોસર તેમનું નિવેદન હજુ સુધી નોંધી શકાયું નથી. તાલુકા પોલીસે કમલેશભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ કબજે કરી છે. જે સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે સૌને જય શ્રી કૃષ્ણ, મારા મરવાનું કારણ વોરા તથા દિલીપ કોરાટ જેણે મારું મકાન લઈ લીધું અને 65 લાખ રૂપિયાનો ખોટો મારી ઉપર આરોપ મુકેલ. મારી પાસે અત્યારે 5000 રૂપિયા પણ નથી કાર અને મકાનના ચાર જેટલા હપ્તા ચડી ગયા છે. મારા બે કરોડ અને ૧૨ લાખ દિનેશ અને ભાવિન લઈને જતા રહ્યા છે ત્યારથી મારી મૂંઝવણ વધી ગઈ છે. મને ખબર છે હું સમજી વિચારીને આ પગલું ભરું છું છેલ્લે 12 લાખની જરૂર હતી. તો નરેન્દ્ર પૂજારાને સાટાખત ભરીને 12 લાખનું સાટાખત ભરી આપેલ છે. મારે ઘણું લખવું છે ઉતાવળ માં લખું છું સમય નથી મને બધા બહુ યાદ આવે છે મરવું સહેલું નથી પણ મજબુરી છે.

મીડિયા સાથેની વાતચીતમાં કમલેશભાઈના ભાઈ કાનજીભાઈ અને પત્ની જયશ્રી બેને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, દીકરા દીકરીના લગ્ન કરવાના હોય જેથી અમે મકાન વેચવા કાઢયું હતું જેની જાહેર ખબર પણ અમે આપી હતી. મકાનનું સોદો કરવા વકીલ અને તેના સગા આવ્યા હતા. અમે રૂપિયા 1.20 કરોડમાં સોદો કર્યો હતો જે પેટે અમને માત્ર 20 લાખ આપવામાં આવ્યા હતાં ત્યાર બાદ અમે જેમને મકાન વહેચ્યું હતુ તેમની પાસે બાકી ના પૈસા માંગ્યા હતા. ત્યારે તેને કહ્યું હતું કે, તમારા પૈસા અમે વકીલ ને આપી દીધા છે. વકીલ પાસે અમે જ્યારે પૈસા માંગ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે મેં પૈસા કમલેશભાઈને આપી દીધા છે. ત્યારબાદ એનકેન પ્રકારે કમલેશભાઈ વિરુદ્ધ ખોટી અરજી કરવામાં આવી હતી. ત્યારે કમલેશભાઈ સાથે છેતરપિંડી થતા તેમણે લાગી આવતા તેમણે પરિવારજનોને દવા પીવડાવી પોતે પણ દવા પી જવાનો પ્લાન ઘડી કાઢયો હતો.

ત્યારે હાલ કમલેશભાઈ ના ભાઈ કાનજીભાઈ તેમજ પત્ની જયશ્રીબેન દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે આક્ષેપોમાં કેટલી તથ્યતા છે તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તેમજ કમલેશભાઈના ભાનમાં આવ્યા બાદ જ પોલીસ તેમનું નિવેદન લેશે અને ત્યારબાદ કયા પ્રકારનો કઈ કલમ હેઠળ ગુનો નોંધી શકાય તેમ છે તે અંગે પોલીસ વિચારણા કરી ગુનો નોંધશે. પોતાના પુત્ર અને પુત્રીને કોરોના નામે ઝેરી દવા પીવડાવવાના બદલ કમલેશભાઈ વિરુદ્ધ પણ ગુનો દાખલ થઈ શકે તેમ છે.

Next Story