Connect Gujarat
Featured

સાબરકાંઠા : પ્રાંતિજના ખેડૂતે કર્યું જાંબલી રંગના કોબીજનું વાવેતર, જાંબલી કોબીજે લોકોમાં જમાવ્યું આકર્ષણ

સાબરકાંઠા : પ્રાંતિજના ખેડૂતે કર્યું જાંબલી રંગના કોબીજનું વાવેતર, જાંબલી કોબીજે લોકોમાં જમાવ્યું આકર્ષણ
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાકભાજીની ખેતી કરતાં ખેડૂતો હવે રંગબેરંગી ખેતી તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. રંગીન ફુલાવર અને ચાઇનીઝ કોબીજ બાદ હવે ખેડૂતો જાંબલી કોબીજની ખેતી કરી રહ્યા છે. જોકે નવી વેરાયટી સાથે વિટામીનથી ભરપુર જાંબલી કોબીજની ખેતી કરી અખતરો કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીની ખેતીમાં પ્રાંતિજ સહિતના અન્ય તાલુકા અવલ નંબરે રહ્યા છે. અહી તૈયાર થયેલ શાકભાજી સાબરકાંઠા સહિત અન્ય જિલ્લા અને અન્ય રાજ્યોમાં પણ વખણાય છે, ત્યારે પ્રાંતિજના ખેડૂતો દ્વારા હાલ ફુલાવર તથા કોબીજની રેગ્યુલર ખેતીમાં રંગીન ફુલાવર અને ચાઇનીઝ કોબીજનો પાક ઉતારવામાં આવ્યો હતો, ત્યારે હવે રંગીન કોબીજની પણ ખેતી કરવામાં આવી છે.

પ્રાંતિજના પીલુદા રોડ ઉપર મુખ્યત્વે ફલાવર-કોબીજની ખેતી કરતા ખેડૂત વસંત પટેલ દ્વારા પોતાના ખેતરમાં આ વર્ષે અડધો વીઘા જમીનમાં જાંબલી રંગના કોબીજનું વાવેતર કરવામાં આવ્યું છે. આ જાંબલી રંગના કોબીજનો બજારમાં હોલસેલ ભાવ 20 કિલોના 400થી 500 રૂપિયા સુધી મળી રહે છે. તો બજારમાં એક નંગ રંગીન કોબીજ 15થી 30 રૂપિયા સુધીમાં પણ વેચાય છે. લગ્ન પ્રસંગો અને હોટલોમાં જાંબલી રંગના કોબીજની ખૂબ માંગ છે, ત્યારે આ જાંબલી રંગના કોબીજ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જોકે જાંબલી રંગના કોબીજની માંગ હાલ તો અમદાવાદ અને ગાંધીનગર સહિતના અન્ય શહેરોમાં વધુ જોવા મળી રહી છે.

Next Story