ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં જીત મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝે ભારતને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ટીમ ઈન્ડિયાએ સરળતાથી હાંસલ કરી લીધો અને મેચ 7 વિકેટે જીતી લીધી. હવે ભારત પાંચ મેચની T20I શ્રેણીમાં 2-1થી આગળ છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર યાદવે 76 રનની તોફાની ઈનિંગ રમી હતી. સૂર્યાને ઓપનિંગમાં મોકલવાના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ તેણે બધાની બોલતી બંધ કરી દીધી. પોતાની ઈનિંગમાં તેણે 8 ચોગ્ગા, 4 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થઈને શરૂઆતમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે. સૂર્યકુમાર યાદવ સિવાય રિષભ પંતે પણ 26 બોલમાં 33 રનની અણનમ ઇનિંગ રમી હતી અને અંતે ટીમ ઇન્ડિયાને જીત અપાવીને જ વાપસી કરી હતી. આ બે ઇનિંગ્સ સિવાય શ્રેયસ અય્યરે 24 અને હાર્દિક પંડ્યાએ 4 રન બનાવ્યા હતા.