કિંગ કોહલી ફરી વિરાટ અંદાજમાં: સદી ફટકાર્યા બાદ આલોચકોને આપ્યો જવાબ
કિંગ કોહલીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 23 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે ફટકારી હતી

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી તેના જૂના રૂપમાં પાછા જોવા મળ્યા હતા. લાંબા સમયથી એમની સદીની રાહ ગઈકાલે પૂરી થઈ ગઈ છે. ગુરુવારે એશિયા કપ 2022ની મેચમાં કોહલીએ અફઘાનિસ્તાન સામે 122 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં કોહલીએ 61 બોલમાં 12 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 83 ઇનિંગ્સ અને 1020 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે.
કિંગ કોહલીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 23 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે ફટકારી હતી.વિરાટ કોહલીની આ શાનદાર સદીને કારણે ભારતે એ મેચમાં 101 રનથી જીત મેળવી હતી. શાનદાર જીત પછી કોહલીએ તેના ખરાબ સમયને લઈને ઘણી વાત કરી હતી. કોહલીએ કહ્યું હતું કે, ' સૌ પ્રથમ તો હું આભારી છું કે આજનો દિવસ આવો સારો રહ્યો. ક્રિકેટથી દૂર રહેવાને કારણે હું ઘણું શીખી શક્યો અને મારી ખામીઓ વિશે જાણી શક્યો.
હું હંમેશા એક ખાસ વ્યક્તિનો ઉલ્લેખ કરું ચુ અને કરતો રહીશ અને એ છે અનુષ્કા, જે આ મુશ્કેલ સમયમાં મારી સાથે હતી. મારા ખરાબ સમયમાં પણ તે મારી સાથે રહી અને મને યોગ્ય માર્ગદર્શન આપતી રહી. અનુષ્કાએ મને વસ્તુઓને નવી રીતે જોવાનું શીખવ્યું અને એટલા માટે જ હું આજે અહિયાં ઊભો છું.' કોહલીએ આગળ કહ્યું હતું કે, 'મને જે કંઈ મળ્યું છે તે ભગવાનના કારણે છે અને તે સ્વીકારવામાં મને શરમ નથી.
સાચું કહું તો હું મારી પૂરી મહેનતથી રન બનાવું છું પણ લોકો મારા 60-70 રનને પણ નિષ્ફળતા માનવા લાગ્યા હતા જે ખૂબ જ ચોંકાવનાર હતું. હું શિકાયત નથી કરતો કારણકે ભગવાને મને ભૂતકાળમાં ઘણી સારી વસ્તુઓ આપી છે અને એટલા માટે જ હું એવી સ્થિતિમાં છું જ્યાં આ વસ્તુઓ વિશે વાત કરી શકું છું.' કોહલીએ આગળ કહ્યું હતું કે, 'મેં થોડો સમય સુધી બ્રેક લીધો અને પછી નવેસરથી શરૂઆત કરી અને ટીમના વાતાવરણનો પણ આમાં ફાળો હતો. ટીમે મને આરામ આપ્યો મારો સાથ આપ્યો અને મને ઘણી સલાહ અને સૂચનો આપી હતી. એટલા માટે હું એ લોકોના સાથનો પણ આભારી છું. '