ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડે ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. ભારતને ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે બેમાંથી એક ટેસ્ટમાં શ્રીલંકા સામે હાર અથવા ડ્રોની જરૂર હતી. ન્યૂઝીલેન્ડે લંકાની ટીમને હરાવીને ભારતને ઘણી ખુશી આપી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પરિણામની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના સમીકરણ પર કોઈ અસર નહીં થાય.
ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. છેલ્લી વખત 2021માં તેને ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. આ વખતે ન્યૂઝીલેન્ડે તેને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી છે. આ વખતે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. જેમાં ભારત 2-1થી આગળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં 7 થી 11 જૂન દરમિયાન રમાશે.