Connect Gujarat
Featured

સુરત : વરાછામાં ચોરીની 35 બાઈક સાથે 2 શખ્સો ઝડપાયા, પોલીસે રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત : વરાછામાં ચોરીની 35 બાઈક સાથે 2 શખ્સો ઝડપાયા, પોલીસે રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
X

છેલ્લા 2 વર્ષથી સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી થયેલ મોટરસાયકલની ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એન્જિન નંબર તથા ચેચીસ નંબર સાથે ચેડા કરીને આરોપીઓ ખોટી નંબર પ્લેટ લગાવી મોટરસાયકલ વેચી મારતા હતા. આખરે પોલીસને બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ બાતમીના આધારે ફુલમાર્કેટ નજીકથી શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ભક્તિનગરમાં રહેતો 48 વર્ષીય અરવિંદ મારડિયાને ચોરીની ખોટી નંબર પ્લેટ લગાડેલી મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપીની વધુ પૂછપરછ કરતા અન્ય ઘણી બધી મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, ત્યારે પોલીસે આરોપીને સાથે રાખીને વરાછાના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલા 11 જેટલી મોટરસાયકલ તેમજ કાપોદ્રાના ભક્તિનગર સોસાયટીના મકાનમાં ચોરી કરેલ મોટરસાયકલના અલગ અલગ સ્પેરપાર્ટ પણ જપ્ત કર્યા હતા.

ઉપરાંત આરોપીએ અન્ય ચોરી કરેલ મોટરસાયકલ સરથાણા નજીક એસ.એમ.સી. પાણીની ટાંકી સામે આવેલ મઠુલી ગેરેજના માલિક અશોક કોલડીયાને વેંચી હોવાનું કબૂલ્યું હતું. તો સાથે જ આરોપીએ ચોરી કરેલ અન્ય મોટરસાયકલ અમરેલી અને જુનાગઢ જિલ્લાના ગામડાઓમાં વેચેલ હોવાની પણ કબૂલાત કરી હતી. વરાછા પોલીસ આરોપીને સાથે લઈ અમરેલી,જૂનાગઢ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં તપાસ હાથ ધરતા વધુ 13 મોટરસાયકલો મળી આવી હતી. હાલ તો વરાછા પોલીસે 2 આરોપીઓ સહિત 35 જેટલી મોટરસાયકલ, 8 એન્જિન, 1 ચેચીસ સહિત અન્ય સ્પેરપાર્ટ મળી કુલ કિંમત 8,37,185 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story