સુરત : કોંગ્રેસી મહિલા આગેવાન સહિત 6 લોકોની રાંદેર પોલીસે કરી ધરપકડ

New Update
સુરત : કોંગ્રેસી મહિલા આગેવાન સહિત 6 લોકોની રાંદેર પોલીસે કરી ધરપકડ

સુરત કોંગ્રેસની મહિલા અગ્રણી સહિત 6 લોકોની રાંદેર પોલીસે આત્મહત્યાની પ્રેરણા બદલ કલમ 306 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એક બંગાળી કારીગર દ્વારા સોના-ચાંદીના દાગીના બનાવવાના કારખાનામાં ચોરી કરવા બદલ પકડાઈ જતા તેને ગોંધી રાખી માર મારતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.

ગત ૧૪મી ડિસેમ્બરના રોજ મૂળ વેસ્ટ બંગાળ અને હાલ સુરતના ગોપીપુરા વિસ્તારમાં સોના ચાંદીના દાગીના બનાવવાના કારખાનામાં કામ કરતો કારીગર સુદીપ દિલીપ નંદન ગોપીપુરાના દેવ નારાયણ નામના વ્યક્તિના કારખાનામાં કામ કરતો હતો, જ્યાં દેવનારાયણને સુધીર તેના કારખાનામાં સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરતો હોય તેવો વહેમ જતા તે અંગે તેણે તેની દીકરી શ્રેયાને જાણ કરી હતી.

આ અંગે શ્રેયાએ તેની મહિલા મિત્ર એટલે કે સુરત કોંગ્રેસની મહિલા અગ્રણી મેઘના પટેલને જાણ કરી હતી. ત્યાર બાદ મેઘના પટેલ અને તેના સાગરીતોએ સુદીપ નંદન પર વોચ રાખી તેના પાસે ચોરી કરતા હોવાની કબુલાત કરાવી હતી. જ્યાં તેને કોંગ્રેસ અગ્રણી મેઘના પટેલની કારમાં બેસાડી તેમના મિત્ર ચિરાગ પટેલની પાલનપુર જકાતનાકા નજીક આવેલ ઓફિસ ખાતે લઇ જઇ બંગાળી કારીગર સુદીપને માર માર્યો હતો. તેને 2 દિવસ બાદ તેમના અન્ય મિત્ર અર્જુન ચૌધરીના મકાનમાં પણ માર મરાયો હતો. જેઓએ આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરી ન હતી. આખરે કંટાળીને બંગાળી કારીગર સુદીપ નંદને ચિરાગ પટેલની ઓફિસમાં આત્મહત્યા કરી લેતા રાંદેર પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણા બદલ કોંગ્રેસ અગ્રણી મેઘના પટેલ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.