Connect Gujarat
Featured

સુરત : સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ “યમરાજના ભરોસે”, બેદરકારીથી વૃદ્ધાના મોતનો પરિવારે કર્યો આક્ષેપ

સુરત શહેર તથા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 643 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલના વોર્ડમાં 344 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 326 દર્દીઓની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જાણે યમરાજના ભરોસે હોય તેવી લોકોમાં દહેશત ફેલાઈ છે, ત્યારે સિવિલ હોસ્પિટલની બેદરકારીથી દર્દીઓના મોત થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં એક દર્દીની સારવારમાં તકેદારી નહીં રાખી હોવાનો દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

સુરતના એક 72 વર્ષીય વૃદ્ધાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. જેમાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં તબીબોએ છાતીના એક્સ-રે તેમજ અન્ય ટેસ્ટ નહીં કરી માત્ર સામાન્ય સારવાર કરી હતી, ત્યારે વૃદ્ધાને કોરોનાનું સંક્રમણ 86 ટકા વધી જતાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જેથી તબીબોએ સારવારમાં તકેદારી નહીં રાખી હોવાનો દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

જોકે નવી સિવિલ હોસ્પિટલમાં રાગણી વર્માએ ચાર્જ લીધા પછી તેઓ પોતાની દુનિયામાં જીવી રહ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. તેઓએ 6 દિવસ સુધી દર્દીને માત્ર ઓક્સિજન ઘટે છે તેવું કહીને રિપોર્ટ વગર જ સારવાર આપી હતી, ત્યારે સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોકટર રાગીની વર્માને ફરિયાદની સાથે નોટિસ અપાતાં ચકચાર મચી છે. સિવિલ તંત્ર આર.એમ.ઓ સુપ્રિટેન્ડન્ટ તેમજ શહેરના આરોગ્ય વિભાગના અધિકારીઓને ફરિયાદીએ જવાબદાર ગણાવ્યા હતા. જોકે 72 કલાકમાં કોઇ કાર્યવાહી નહીં થાય તો ભ્રષ્ટ અધિકારીઓ સામે ફરિયાદ કરવાની વૃદ્ધાના પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

Next Story