Connect Gujarat
Featured

સુરત : કીમ ચોકડી નજીક સર્જાયેલા અકસ્માત બાદ નિરાધાર બાળકોની વ્હારે આવ્યા પોલીસકર્મીઓ, જુઓ શું કરી સહાય..!

સુરત : કીમ ચોકડી નજીક સર્જાયેલા અકસ્માત બાદ નિરાધાર બાળકોની વ્હારે આવ્યા પોલીસકર્મીઓ, જુઓ શું કરી સહાય..!
X

સુરત જિલ્લાના કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર કીમ ચોકડી નજીક ગત તા. 19 જાન્યુઆરીના રોજ થયેલ ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ નિરાધાર બનેલા માસુમ બાળકોની વ્હારે જિલ્લા પોલીસ આવી છે. જેમાં 1200 જેટલા પોલીસ જવાનો પોતાનો 1 દિવસનો પગાર નિરાધાર બાળકોને અર્પણ કરશે.

ભલભલાના પથ્થર હૈયાને પણ પીગળાવી દે તેવી ઘટના ગત તા. 19 જાન્યુઆરીએ કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર બની હતી. પાલોદ ગામની હદમાં ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ટ્રક ફરી વળતાં 15 લોકો મોતને ભેટ્યા હતા. છૂટક મજૂરીયું રળતા શ્રમજીવીઓના મોતના પગલે તેમના બાળકો નિરાધાર બની ગયા હતા. તો સાથે જ આ બાળકોના ભવિષ્ય સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા હતા. જોકે માનવતા હજી મરી પરવારી નથી તે કહેવતને સુરત જિલ્લા પોલીસે સાર્થક કરી બતાવી છે. જેમાં અકસ્માતની ઘટના બાદ નિરાધાર બાળકોની મદદે સુરત જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઉષા રાડાના પ્રયત્નો થકી રાજસ્થાનના શ્રમિક બાળકોને આર્થિક સહાય કરવાના ભાગરૂપે સુરત ગ્રામ્યના ડીએસપી અને ડીવાયએસપીથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ પોલીસ જવાનો પોતાનો એક દિવસનો પગાર સહાયરૂપે જમા કરાવશે. અંદાજે રૂપિયા 15થી 18 લાખની સહાય રકમ બાળકોના નામે એફડીમાં મુકવામાં આવશે. તો સાથે જ બાળકો 18 વર્ષના થાય ત્યારે તેમને આ રકમ મળવા પાત્ર રહેશે, ત્યારે જિલ્લા પોલીસની માનવનીય અને ઉમદા કાર્યની ઠેરઠેર લોકો પ્રશંસા કરી બિરદાવી રહ્યા છે.

Next Story